Vadodara Railway Department : વડોદરા રેલવે વિભાગ ખાતે આવતીકાલે 23 મે, 2026ના રોજ પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશવ્યાપી 19મા રોજગાર મેળાનો શુભારંભ કરશે. આ દરમિયાન દેશભરના 51 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરાશે.
દેશભરના 47 સ્થળોએ યોજાનારા આ રોજગાર મેળા અંતર્ગત કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ભરતી કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે. નવા કર્મચારીઓની નિમણૂક રેલવે મંત્રાલય, સંચાર મંત્રાલયના ડાક વિભાગ, રક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય સહિત વિવિધ વિભાગોમાં કરવામાં આવી રહી છે.
વડોદરા વિભાગ દ્વારા પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતાપનગર રેલવે ઓડિટોરિયમ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં 85 નવા પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે. જેમાં રેલવે વિભાગના 15, નાણાકીય સેવા વિભાગના 50 તથા પોસ્ટ ઓફિસ વિભાગના 20 ઉમેદવારોનો સમાવેશ થાય છે.
વડોદરામાં યોજાનારા આ રોજગાર મેળામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.


