અમદાવાદ,શનિવાર,17
જાન્યુ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતાનુ વધુ એક
કૌભાંડ ખુલે એવી પ્રબળ સંભાવના છે. શહેરના તમામ સાત ઝોનમાં આવેલા કોર્પોરેશન
હસ્તકના બગીચાઓમાં આઉટડોર જીમ એન્ડ પ્લેઈંગ ઈકવીપમેન્ટના નામે અલગ અલગ એજન્સીઓ
પૈકી ચોકકસ એજન્સીને રુપિયા ૯ કરોડથી વધુની રકમથી વર્કઓર્ડર આપવા સોમવારે ૧૯
જાન્યુઆરીના રોજ મળનારી રિક્રીએશન કમિટી સમક્ષ કોઈને કૌભાંડની પહેલી નજરે ગંધ ના
આવે એ પ્રમાણે દરખાસ્તો મંજૂરી માટે મુકવામા આવી છે. બગીચા ખાતાના ઈતિહાસમા પહેલી
વખત એજન્સીઓ પાસે ૨૨ સેમ્પલ મંગાવાતા જે એજન્સીઓને કવોલીફાય કરાઈ નથી તેવી એજન્સીઓ
ઉગ્ર વિરોધના મૂડમાં છે.
સોમવારે મળનારી રિક્રીએશન કમિટીની બેઠકમાં હની ફન એન્ડ થ્રીલ
કુ, સેન્સુન ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ને મધ્ય ઉપરાંત પૂર્વ અને ઉત્તર તથા દક્ષિણ
ઝોનમાં અંદાજિત ભાવથી ૩૧.૫૦ ટકા ઓછા ભાવથી એટલે કે રુપિયા ૧.૨૫ કરોડ ઉપરાંત જી.એસ.ટી.
ચૂકવવાની શરતથી વર્કઓર્ડર આપવા દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે.બગીચા વિભાગના એક અધિકારીના
કહેવા મુજબ, અગાઉ ટેન્ડર
કરાયુ હતુ પરંતુ ટેન્ડર લેસમાં આવતા રીટેન્ડર કરવુ પડયુ છે. આજ એજન્સીઓને શહેરના
પશ્ચિમ ઝોન ઉપરાંત મધ્યઝોન સહીતના અમદાવાદ પૂર્વ તથા પશ્ચિમ અમદાવાદના બગીચાઓમા સ્પોર્ટસના
સાધનો મુકવા માટે કુલ મળીને રુપિયા ૯ કરોડથી પણ વધુની રકમથી વર્કઓર્ડર આપવા કોર્પોરેશનના
જ કેટલાક અધિકારીઓ અને પદાધિકારી અંગત રસ લઈ રહયા હોવાની મ્યુનિસિપલ વર્તુળોમા ચર્ચા
સાંભળવા મળી રહી છે. આઘાતજનક બાબત તો એ છે કે, કમિટી સમક્ષ જે પ્રમાણે દરખાસ્ત મંજૂરી માટે મુકવામા આવી છે
તેને જોતા કોર્પોરેશનના અધિકારીઓએ જ ચોકકસ એજન્સીને કામ આપવા ગોઠવણ પાડી હોવાનુ દેખાઈ
આવે છે.
વર્ષ-૨૦૨૩માં દોઢ કરોડનુ ટેન્ડર કરાયુ હતુ
કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા વિવિધ બગીચાઓમા સ્પોર્ટસના
સાધનો મુકવા છેલ્લે વર્ષ-૨૦૨૩મા રુપિયા દોઢ કરોડનુ ટેન્ડર કરાયુ હતુ. વીસ વર્ષના
બગીચા ખાતાના ઈતિહાસમાં કુલ મળીને રુપિયા દસ કરોડનુ ટેન્ડર સ્પોર્ટસના સાધનો માટે
કરવામા આવ્યુ હતુ. આ પરિસ્થિતિમાં એકાએક એક જ વર્ષમાં રુપિયા ૯ કરોડના સ્પોર્ટસના
સાધનો મુકવાની દરખાસ્તોની વિજિલન્સ તપાસ કરાય તો વધુ એક કૌભાંડ બહાર આવે એવી
સંભાવના હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.


