અમદાવાદ,મંગળવાર
શહેરના સરસપુર અશોક મિલની નવી ચાલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકરોને સ્થાનિક લોકોના રોષનો કડવો અનુભવ થયો હતો. જેમાં એક યુવકે તેમને પ્રચાર માટે ન આવવાનું કહીને ધક્કા માર્યા હતા અને એટલું જ એક કાર્યકરને તો બે થી ત્રણ લાફા મારી દીધા હતા. આ અંગે શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
શહેરકોટડા નરોડા રોડ પર આવેલા બુદ્ધનગર સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષીય ધીરજભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી તે ઇન્ડિયા કોલોની વોર્ડની પેનલ માટે અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરવા જતા હતા. સોમવારે સવારે પેનલના ચારેય ઉમેદવારો, ધીરજભાઇ અને અન્ય કાર્યકરો લોક સપંર્ક રાઉન્ડમાં અશોક મિલની નવી ચાલીમાં પ્રચાર માટે ગયા હતા. ત્યારે તેમને હસમુખ વોરા નામના વ્યક્તિએ પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓને રોકીને કહ્યું હતુ કે તમારે અહીયા પ્રચારમાં આવવું નહી.. અહીયાથી જતા રહો.. નેતાઓએ જણાવ્યું હતું કે લોક સંપર્કનો રાઉન્ડ પૂર્ણ કરીને જતા રહીશુ તેમ કહેતા હસમુખ વોરા વધુ રોષે ભરાયા હતા અને ગાળો બોલીને ધીરજભાઇનો કોલર પકડીને બે થી ત્રણ લાફા મારી દીધા હતા. આ સમયે ધક્કા મારીને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ નેતાઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને સમગ્ર મામલે ધીરજભાઇએ શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે જણાવ્યું કે ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના નેતાઓ મત લેવાના સમયે આવે છે અને મોટા મોટા વાયદા કરે છે. પરંતુ, પાંચ વર્ષ સુધી દેખાતા નથી. જેથી વિરોધ થાય તે સ્વાભાવિક હતુ. એટલું જ ભાજપના નેતાઓએ હસમુખ વોરાનો પક્ષ લેનારાઓને ધમકી આપી હતી.


