- તંત્રનું સ્વચ્છતા અભિયાન માત્ર 'ફોટોશૂટ' પૂરતું સિમિત
- પાલિકાના સત્તાધીશોના છૂપા આશીર્વાદથી વેપારીઓ રસ્તા પર જ કચરો ફેંકતા હોવાના આક્ષેપ : રોગચાળોની ભીતિ
લીંબડી : લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રનું સ્વચ્છતા અભિયાન માત્ર 'ફોટોશૂટ' પૂરતું સિમિત રહ્યું હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. પાલિકાના સત્તાધીશોના છૂપા આશીર્વાદથી વેપારીઓ રસ્તા પર જ કચરો ફેંકતા હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે.
લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં શાક માર્કેટ પાછળ આવેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખના કાર્યાલય પાસે કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે શાક માર્કેટના વેપારીઓ પાલિકાના સત્તાધીશોના છૂપા આશીર્વાદથી જાહેર રસ્તા પર જ કચરો ફેંકી રહ્યા છે.
તંત્ર દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવેલી દંડનીય કાર્યવાહી માત્ર ફોટોશૂટ પૂરતી સીમિત રહી હોય તેમ જણાય છે. સફાઈના નામે લાખોનો ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર શાક માર્કેટ જ નહીં, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. મૃત પશુઓ પણ ત્રણ-ત્રણ દિવસ સુધી રસ્તા પર પડેલા રહેતા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને એસ.આઈ.ની કામગીરી સામે સવાલો ઉઠયા છે ત્યારે સ્થાનિકો હવે આ નરક જેવી ગંદકીમાંથી ક્યારે મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યા છે.


