Get The App

માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખાડા, કોન્ટ્રાક્ટર માલામાલ, આંગણવાડી બેહાલ

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખાડા, કોન્ટ્રાક્ટર માલામાલ, આંગણવાડી બેહાલ 1 - image

રાંદેર ઝોનની આંગણવાડીમાં માત્ર આઠ મહિના પહેલાં કરાયેલા રિપેરિંગ કામની પોલ હવે ખુલ્લી પડી ગઈ છે. ફ્લોરિંગ બેસી ગયું છે, દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને ફાયર સેફ્ટીના સાધનો પણ એક્સપાયર થઈ ગયા છે.  જે સ્થળે નાનાં બાળકોનું ભવિષ્ય ઘડાવું જોઈએ ત્યાં આજે જોખમ અને બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સ્થિતિ માત્ર નબળી કામગીરીનો મુદ્દો નથી, પરંતુ પાલિકા તંત્રના ઢીલા સુપરવિઝન અને જાહેર નાણાંના સંભવિત બગાડ સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સવાલ એ છે કે આઠ મહિનામાં જ કામની આવી હાલત થઈ ગઈ તો જવાબદાર કોણ અને તેમની સામે કાર્યવાહી ક્યારે થશે? સુરત પાલિકાના રાંદેર ઝોન હેઠળ આવેલી નવી વસાહતની આંગણવાડીમાં આશરે આઠ મહિના પહેલાં જ રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. 

સામાન્ય રીતે સરકારી ખર્ચે થતી કામગીરી વર્ષો સુધી ટકવી જોઈએ, પરંતુ અહીં તો થોડા જ મહિનાઓમાં સમગ્ર કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નચિહ્ન ઊભું થઈ ગયું છે. કોટા પથ્થરનું ફ્લોરિંગ અનેક જગ્યાએ જમીનમાં બેસી ગયું છે, જ્યારે કેટલીક જગ્યાએ ઊંચું થઈ જતાં આખો ફ્લોર ઉબડખાબડ બની ગયો છે. જેના કારણે બાળકો માટે બેસવું, ચાલવું અને રમવું પણ જોખમી બની ગયું છે.ફ્લોરિંગની હાલત જેટલી ચિંતાજનક છે, તેનાથી પણ વધુ ગંભીર સ્થિતિ આંગણવાડીની બહારની દિવાલોની છે. દિવાલોમાં પડેલી મોટી મોટી તિરાડો સ્પષ્ટ સંકેત આપે છે કે માળખાકીય સલામતી સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. જો આવતીકાલે દિવાલનો કોઈ ભાગ તૂટી પડે તો કોઈ બાળક અથવા અન્ય વ્યક્તિને ઇજા પહોંચે તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે.આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આંગણવાડીમાં રાખવામાં આવેલું ફાયર સેફ્ટીનું સાધન પણ એક્સપાયર થઈ ચૂક્યું છે. એટલે કે આગ જેવી આપત્તિ સર્જાય તો ફાયર સેફ્ટીની વ્યવસ્થા માત્ર દેખાડા પૂરતી જ સાબિત થાય. 

શહેરભરમાં ફાયર એનઓસી અને સલામતીના નિયમોનું કડક પાલન કરાવતી પાલિકા પોતાની જ સંસ્થામાં નિયમોના અમલમાં નિષ્ફળ ગઈ હોવાનું સામે આવ્યું છે.આ ઘટના પાલિકા તંત્રના નબળા સુપરવિઝન, ગુણવત્તા નિયંત્રણના અભાવ અને સરકારી નાણાંના ઉપયોગ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જો કામ યોગ્ય ગુણવત્તાથી થયું હોય તો માત્ર આઠ મહિનામાં જ ફ્લોરિંગ કેમ બેસી ગયું? જો કામ નબળી ગુણવત્તાનું હતું તો બિલ કેવી રીતે પાસ કરવામાં આવ્યું? અને જો અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી તો આટલી ગંભીર ખામીઓ તેમની નજર બહાર કેવી રીતે રહી ગઈ?આવા અનેક પ્રશ્નો સાથે માજી કોર્પોરેટર ઉષા પટેલે ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરાવવા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ આંગણવાડીમાં જરૂરી મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવાની માંગણી કરી છે. 

કામ થયું હતું કે માત્ર બિલો પાસ થયા હતા?

રાંદેર ઝોનની આંગણવાડીમાં માત્ર આઠ મહિનામાં જ ફ્લોરિંગ બેસી જવું અને દિવાલોમાં તિરાડો પડી જવી સામાન્ય ઘટના નથી. સરકારી ખર્ચે થયેલા કામની આવી હાલત ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જો કામ ધોરણ મુજબ થયું હતું તો આટલા ટૂંકા ગાળામાં જ ખામીઓ કેમ દેખાવા લાગી? અને જો કામ નબળી ગુણવત્તાનું હતું તો તેની ચકાસણી કોણે કરી? હવે સમગ્ર મામલે ટેકનિકલ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

એક્સપાયર સાધનથી બાળકોની સુરક્ષા કેવી રીતે થશે?

શહેરભરમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન માટે કડક વલણ અપનાવતી પાલિકાની પોતાની આંગણવાડીમાં જ ફાયર સેફ્ટીનું સાધન એક્સપાયર થઈ જવું ગંભીર બેદરકારી દર્શાવે છે. આગ જેવી આપત્તિ સમયે ઉપયોગમાં ન આવી શકે તેવા સાધનો રાખવા નો અર્થ માત્ર નિયમોનું દેખાડો કરવો છે. જ્યાં નાનાં બાળકો રોજ હાજર રહે છે ત્યાં આવી બેદરકારી અનેક સવાલો ઉભા કરે છે.