Amreli Mobile School: શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે, પરંતુ ગરીબી અને મજબૂરી ઘણીવાર આ અધિકારને છીનવી લે છે. અમરેલી શહેરમાં આ અવરોધને દૂર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી એક અનોખી ‘હરતી-ફરતી શાળા’ કાર્યરત છે. PGVCLના CSR ફંડ હેઠળ તૈયાર કરવામાં આવેલી આ બસ આજે સ્લમ વિસ્તારના બાળકો માટે ભવિષ્યનું નવું સરનામું બની ગઈ છે.
બસ તમામ સુવિધાઓથી સજ્જ
આ કોઈ સામાન્ય મુસાફરોની બસ નથી, પરંતુ એક સંપૂર્ણ શૈક્ષણિક સંકુલ છે. PGVCL દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત એક લેલેન્ડ બસને અંદરથી રી-ડિઝાઇન કરવામાં આવી છે. બસમાં વિદ્યાર્થીઓને બેસવા માટે આરામદાયક વ્યવસ્થા, બ્લેકબોર્ડ, પુસ્તકોની લાઈબ્રેરી અને શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ છે. અહીં બાળકોને ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોનું પાયાનું શિક્ષણ આપવામાં આવે છે.
50થી વધુ બાળકો અભ્યાસ કરે છે
અમરેલીના ગાયત્રી મંદિર અને આસપાસના સ્લમ વિસ્તારોમાં ફરતી આ શાળામાં હાલ 50 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરે છે. જે બાળકો ક્યારેય શાળાનું પગથિયું નહોતા ચડ્યા, તેઓ હવે આ બસમાં હોંશે હોંશે ભણવા આવે છે. આ સેવાકાર્ય મૂકબધીર ટ્રસ્ટ, આર.એસ.એસ. અને સ્થાનિક લોકોના સહયોગથી ચાલે છે. બાળકોને સવાર અને સાંજ એમ બે પાળીમાં ભણાવવામાં આવે છે.
માતા-પિતામાં જાગૃતિ અને શિક્ષકોનું સમર્પણ
શિક્ષક દેવદત્ત જાની અને અન્ય સ્ટાફ સ્લમ વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું આકલન કરે છે. તેમના પ્રયાસોથી હવે માતા-પિતા પણ શિક્ષણનું મહત્ત્વ સમજતા થયા છે. દેવદત્ત જાનીનું કહેવું છે કે, 'પૈસાના અભાવે કે સામાજિક કારણોસર બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. આ પ્રોજેક્ટ પાછળ માસિક 15થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ સંતોષ એ છે કે આ બાળકો હવે નજીકની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી આગળ વધી રહ્યા છે.'


