Get The App

અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી: કંપની સાથેનો જમીન વિવાદ ઉગ્ર બન્યો, ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી 1 - image

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પીપાવાવ પીએસએલ (PSL) લિમિટેડ અને ખેડૂતો વચ્ચેનો જમીન વિવાદ હવે ઉગ્ર બન્યો છે. વર્ષ 1992માં કંપની દ્વારા આશરે 48 જેટલા ખેડૂતોની જમીન ખરીદવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને ઉદ્યોગમાં રોજગારી અને ધંધાકીય તકો આપવાની શરતે જમીન સંપાદન કરવામાં આવી હતી, જેના માટે ખેડૂતોને લેખિત 'વર્ક ઓર્ડર' પણ આપવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ દાયકાના વાણા વીતી જવા છતાં હજુ સુધી કોઈ ઔદ્યોગિક એકમ સ્થાપિત ન થતા ખેડૂતો પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો આરોપ કરી રહ્યા છે.

જમીનની હરાજી અને નવો વિવાદ

પીએસએલ લિમિટેડ દ્વારા આ જમીન પર લોન લેવામાં આવી હતી. ત્યારબાદ લોન ભરપાઈ ન થતા એક ખાનગી બેંક દ્વારા જમીનની હરાજી કરવામાં આવી હતી, જેમાં અન્ય એક કંપનીએ આશરે 600 વીઘા જમીન ખરીદી લીધી છે. નવી કંપની હવે રોજગારી આપવાનો દાવો કરી રહી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે જૂની શરતો અને વચનોનું પાલન કરવામાં આવ્યું નથી.

ખેડૂતોએ રોષ ઠાલવી આવેદનપત્ર પાઠવ્યું

આજે રાજુલા, રામપરા અને ભેરાઈ ગામના મોટી સંખ્યામાં ખેડૂતોએ રાજુલા મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ માંગ કરી છે કે કંપની ન્યાયિક રીતે વળતર ચૂકવે. ખેડૂતોએ એવો પણ ગંભીર આરોપ કર્યો છે કે, તંત્ર દ્વારા તેમને મદદ કરવાને બદલે 'લેન્ડ ગ્રેબિંગ'ના કેસ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

માત્ર કાગળ પર વચનો આપ્યા: બાબુભાઈ રામ, ખેડૂત અગ્રણી

'વર્ષ 1992માં અમારા ગામના ખેડૂતોએ 625 વીઘા જમીન પીએસએલ લિમિટેડને આપી હતી. જે બાદ કંપનીએ માત્ર કાગળ પર વચનો આપ્યા છે. અમે અત્યારે પ્રતિ વીઘા 1 લાખ રૂપિયા અને લેટર આપ્યાની તારીખથી આજ સુધીનું વ્યાજબી વળતર માંગી રહ્યા છીએ.'

આ પણ વાંચો: પતિ જો પત્નીનો જન્મ દિન ભૂલી જાયતો આ દેશમાં 5 વર્ષ જેલની સજાની જોગવાઇ

'અમે નિયમોનુસાર કામ કરી રહ્યા છીએ': કંપની

બીજી તરફ, પીએસએલ લિમિટેડના ટેકનિકલ એડવાઈઝર અક્ષય પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, 'અમે કંપનીના અધિકૃત અધિકારી તરીકે તમામ સરકારી ગાઈડલાઈન મુજબ જ કામ કરી રહ્યા છીએ. રામપરા નજીક આવેલી આ જમીન પર ઉદ્યોગ શરૂ કરવાનો જ અમારો હેતુ છે. ભૂતકાળમાં ડેવલપમેન્ટના કામ દરમિયાન અમુક લોકોએ અડચણો ઊભી કરી માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો, તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે. અમે ખરેખર વિકાસ કરવા માંગીએ છીએ, પરંતુ કેટલાક લોકો કંપનીને બદનામ કરી રહ્યા છે.'