Get The App

અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી: ખેરા ગામમાં પ્રેમસંબંધની આશંકામાં યુવકના પિતાનું અપહરણ કરી માર માર્યો, છોડાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો 1 - image

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામમાં પ્રેમસંબંધની શંકાના આધારે એક યુવકના પિતાનું અપહરણ કરી તેને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ભોગ બનનારને છોડાવવા પહોંચેલી પીપાવાવ મરીન પોલીસની ટીમ પર પણ ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો. આ હિંસક હુમલામાં પીએસઆઈ (PSI) સહિત ત્રણ પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પ્રેમસંબંધની આશંકાએ પિતાનું હિંડોરણાથી અપહરણ

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર વિવાદની શરૂઆત પ્રેમસંબંધની આશંકાથી થઈ હતી. ખેરા ગામના દેવશી ગુજરિયાના પુત્રને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની આશંકા યુવતીના પરિવારજનોને હતી. તેને એવી શંકા હતી કે દેવશીનો પુત્ર જ યુવતીને ભગાડી ગયો છે. આ બાબતની અદાવત રાખીને કેટલાક ઈસમોએ દેવશીનું હિંડોરણા ખાતેથી અપહરણ કરી લીધું હતું.

અપહરણ કર્યા બાદ આરોપીઓ યુવકના પિતાને ખેરા ગામની સીમમાં લઈ ગયા હતા. ત્યાં તેને ઝાડ સાથે દોરડાથી બાંધી દીધા હતા અને પુરુષો તેમજ મહિલાઓ સહિતના ટોળાએ તેમને બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પીપાવાવ મરીન પોલીસને ઘટનાની બાતમી મળતા જ પીઆઈ (PI) વી.કે. રાઠોડ, પીએસઆઈ (PSI) કે.ડી. હડિયા, પોલીસકર્મી ચંપુ પોપટ, અક્ષય મોરી અને મગન ધાપા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને દેવશીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા.

આ પણ વાંચો: અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા

પોલીસ ટીમ પર પથ્થરમારો અને લાકડા વડે હુમલો

પોલીસે દેવશીભાઈને છોડાવ્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાને શાંત પાડવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાયદાનો કોઈ ડર ન હોય તેમ આરોપીઓના ટોળાએ પોલીસ ટીમ પર જ હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પીએસઆઈ સહિત કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેને તાત્કાલિક સારવાર અર્થે રાજુલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

50 શખસો સામે ગુનો દાખલ

આ ઘટનાની જાણ થતાં જ અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતે સમગ્ર મામલાની ગંભીરતા નોંધીને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. મોડી રાત્રે ડીવાયએસપી (DYSP) નયના ગોરડીયા અને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના પીઆઈ સી.પી. વાઘેલાની ટીમ પણ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની મુલાકાતે પહોંચી હતી.

આ મામલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતે ફરિયાદી બનીને સરકારી ફરજમાં રૂકાવટ, પોલીસ પર હુમલો, રાયોટિંગ અને અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ 50 જેટલા શખસોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસના મોટા કાફલા સાથે આરોપીઓને ઝડપી લેવા માટે સીમ વિસ્તાર અને ગામમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.