Get The App

અમરેલી સિવિલમાં મહિલાના મોતનો મામલો: દેવીપૂજક સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી સિવિલમાં મહિલાના મોતનો મામલો: દેવીપૂજક સમાજ દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું 1 - image


Amreli News: અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ એક મહિલાના મોતને પગલે ગંભીર વિવાદ સર્જાયો છે. તબીબોની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે છેલ્લા 6 દિવસથી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી. આજે (24મી ફેબ્રુઆરી) દેવીપૂજક સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

શું છે સમગ્ર ઘટના?

બોટાદ જિલ્લાના ટાટમ ગામના વતની ભનીબેન મણદુરિયાને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ તેમની તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે કે, ઓપરેશન દરમિયાન તબીબો દ્વારા નસ કપાઈ ગઈ હતી, જેના કારણે ભનીબેનનું મોત થયું છે.

આ પણ વાંચો: ગોંડલમાં મહિલાઓના પ્રશ્નો સાંભળવા ગયેલા AAP નેતા જીગીશા પટેલ પર જીવલેણ હુમલો, કારના કાચ તોડી નાંખ્યા

6 દિવસથી વિવાદ વકર્યો, લાશ ભાવનગર હોસ્પિટલમાં

આ મામલો મૃતક મહિલાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. જોકે, પરિવારજનોનું કહેવું છે કે, જ્યાં સુધી PM રિપોર્ટ સત્તાવાર રીતે જાહેર ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરાય.જવાબદાર અને દોષિત તબીબો સામે તાત્કાલિક ફોજદારી ગુનો નોંધવામાં આવે અને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરી પરિવારને વળતર આપવામાં આવે. જો આ શરતો ન સંતોષાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે:

કલેક્ટર અને DySPને રજૂઆત

આજે દેવીપૂજક સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનોએ અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ તેઓએ રૂબરૂમાં DySPની મુલાકાત લઈ રજૂઆત કરી હતી કે ગરીબ પરિવારને ન્યાય મળે અને હોસ્પિટલના સત્તાધીશો સામે કડક પગલાં લેવાય.

ઉલ્લેખનીય છે કે, ઘટનાની ગંભીરતાને જોતા કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે મૃતકના પરિવારને સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના જીવ સાથે થતી આવી બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. તેમણે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.