Get The App

આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.પર 3141 કરોડનું દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.પર 3141 કરોડનું દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી 1 - image

AMC Budget Meeting : આત્મનિર્ભરતાની વાતો વચ્ચે વર્ષ 2026-27ના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રુપિયા 18518 કરોડના વાર્ષિક બજેટ ઉપરની ચર્ચામા વિપક્ષનેતાએ આક્ષેપ કરતા કહ્યું, કોર્પોરેશનનુ કુલ દેવુ રુપિયા 3141 કરોડ છે. કરોડો રુપિયાના બજેટ તમે મંજૂર કરો છો પણ શહેરીજનોને હિસાબ આપતા નથી.

તમારે બજેટની સાથે વાર્ષિક અહેવાલ રજૂ કરવા જોઈએ જેથી શહેરીજનોને ખબર પડે કે તમે તેમના ટેકસના નાણાંમાંથી શું કર્યુ, શું ના કર્યુ. પરંતુ છેલ્લા બે વર્ષથી વાર્ષિક અહેવાલ જ રજૂ કરવામા આવતા નથી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, અમદાવાદમાં દર કલાકે બે કરોડ રુપિયાના વિકાસકામ થઈ રહ્યા છે. મેયરે કહ્યું, વિકાસ માટે લોન લેવી પણ પડે.

કોર્પોરેશનના જનરલ બજેટ ઉપરની ચર્ચા દરમિયાન વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહ્યુ, શાસકપક્ષ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી હજારો કરોડના બજેટ મંજૂર કરાવી લોકોની વાહ વાહ મેળવવા પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે, છેલ્લા બે વર્ષમાં રુપિયા 27  હજાર કરોડના જે બજેટ મંજૂર કરાયા હતા તેનો તમે હિસાબ તો આપો. હિસાબ આપવા માટે તમારે સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવા પડે એ પણ કરવામા આવતા નથી.

વર્ષ-2026-27ના બજેટની બુકમાં 1 એપ્રિલ-26ની સ્થિતિએ  સરકારી લોન પેટે રુપિયા 80.11 કરોડ, જીએસએફસીની લોન પેટે 354.47 કરોડ, ગ્રીન બોન્ડના રુપિયા 200 કરોડ, જીઆરસીપી લોન રુપિયા 350 કરોડ મળીને કુલ રુપિયા 984.58 કરોડનુ દેવુ બતાવ્યુ છે. નવી લોન પેટે જીએસએફસીના રુપિયા 150 કરોડ, જીઆરસીપીની રુપિયા 300 કરોડ મળી રુપિયા 450  કરોડની લોન લેવાશે તેમ કહેવાયુ છે. કુલ લોન રુપિયા 1434.58 કરોડ બતાવી છે. વર્ષ દરમિયાન રુપિયા 107.70 કરોડ લોન ભરાશે અને રુપિયા 1326.88 કરોડનું દેવુ બતાવાયુ  છે. બજેટમાં વિશ્વબેન્કની રુપિયા ત્રણ હજાર કરોડની લોન સામે રુપિયા 2465 કરોડના કામના આયોજન કરાયા છે.આ તમામ રકમ દેવામા બતાવાના બદલે વિશ્વબેન્કની લોન રુપિયા 650 કરોડ બતાવી રુપિયા 1815 કરોડનુ દેવુ ઓછુ બતાવાયુ છે.

ભાજપના શાસનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જીવનસાથી મળતા નથી

બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બોલી રહ્યા હતા. આ સમયે તેમણે કોંગ્રેસના શાસનમાં ધંધૂકા માટે વહેતી થયેલી લોકોકિતનો ઉલ્લેખ કરતા વિપક્ષનેતાઅ વિરોધ કર્યો હતો. તેમણે મેયરને કહ્યુ, તમે ચેરમેનને કહો, વારંવાર કોંગ્રેસના શાસનમા એવો ઉલ્લેખ ના કરે. ત્રીસ વર્ષ પહેલાની વાતો કરે છે. પછી જો હુ એમ કહીશ કે, અમદાવાદમાં વીસ વર્ષથી ભાજપનુ શાસન હોવાછતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જીવનસાથી મળતા નથી તો તેમને કેવુ લાગશે? આમ કહેતા મેયર ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મેયર પણ તેમનુ હસવુ રોકી શકયા નહોતા.