Get The App

મોંઘવારીનાં ડામ વચ્ચે ટેકાના ભાવે મગની ખરીદીમાં રૂા. 110નો ઘટાડો

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
મોંઘવારીનાં ડામ વચ્ચે ટેકાના ભાવે મગની ખરીદીમાં રૂા. 110નો ઘટાડો 1 - image

ધરતી૫ુત્રોને 'પડયા પર પાટું' જેવી સ્થિતિ ડીઝલની અછત અને જંગી ખેતી ખર્ચ વચ્ચે આર્થિક ટેકો આપવાના બદલે ફટકો, જટિલ ડિજિટલ પ્રક્રિયાનો નવો માથાનો દુ:ખાવો

રાજકોટ, : એક તરફ આકરા ઉનાળામાં મોંઘવારીનો અસહ્ય ડામ છે, બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલની તીવ્ર અછત અને વધતા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે. આવી  કપરી પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા વર્ષ 2026 માટે ઉનાળુ મગના ટેકાના ભાવમાં સીધો રૂા. 110નો ઘટાડો ઝીંકી દેવાતા રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ અને કચવાટ પ્રસર્યો  છે. 

રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સુત્રોના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે ઉનાળુ મગનો ટેકાનો ભાવ રૂા. 9658 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે, જે ગત વર્ષે (2025) રૂા.  8768 હતો. વર્તમાન સમયમાં બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરીના ભાવ આસમાને છે. ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે અને તેના ભાવ પણ વધી  રહ્યા છે. આવા સમયે આર્થિક ટેકો આપવાના બદલે સરકારે ભાવ ઘટાડીને ખેડૂતોના જખમ પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે.

હાલ ભાવ ઘટાડાના આઘાત વચ્ચે સરકારે ઓનલાઇન નોંધણી માટે ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરીને નવી આટીઘૂટી ઊભી કરી છે. ખેડૂતોએ 10 જૂન, 2026 સુધીમાં પોર્ટલ  અથવા ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત એપ પર જઈને ફેસ ઓથેન્ટિકેશન કે બાયોમેટ્રિક દ્વારા જમીનના સર્વે નંબર લિંક કરવા પડશે. ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ધાંધિયા અને  સર્વર ડાઉન રહેવાની સમસ્યા વચ્ચે ખેડૂતો ખરીદી કેન્દ્રો શરૂ થાય તે પહેલાં જ મુશ્કેલીમાં મુકાયા છે. ખુલ્લા બજારમાં પણ વેપારીઓ મગના નીચા ભાવ બોલી રહ્યા છે. ખેડૂત  સંગઠનો આક્રોશ સાથે કહી રહ્યા છે કે જો સરકાર સમયસર આ નીતિમાં સુધારો નહીં કરે, તો આ વર્ષે ઉનાળુ મગની ખરીદી માત્ર કાગળ પર જ સીમિત રહી જશે.