Get The App

ગુજરાતની પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે વડાપ્રધાનની અપીલ ઠુકરાવીને હર્ષ સંઘવી સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતની પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી છે ત્યારે વડાપ્રધાનની અપીલ ઠુકરાવીને હર્ષ સંઘવી સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે 1 - image


Harsh Sanghavi Switzerland Visit: ગુજરાતની સામાન્ય જનતા જ્યારે એકતરફ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને કારમી મોંઘવારીની આગમાં પિસાઈ રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધીશોમાં વિદેશ પ્રવાસનો મોહ છૂટતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા, ઇંધણની બચત અને કરકસરના ભાગરૂપે દેશવાસીઓ સહિત તમામ મંત્રીઓને 'એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા' માટે અપીલ કરી હતી. જોકે, આ અપીલને બાજુ પર મૂકીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે જતાં રાજકીય ગલિયારીઓમાં મોટો વિવાદ છેડાયો છે.

પહેલાં વાહવાહ લૂંટી, પછી અપીલ ભૂલી ગયા!

વડાપ્રધાન મોદીએ જ્યારે આ અપીલ કરી ત્યારે શરૂઆતમાં નેતાઓ દ્વારા ભારે દેશભક્તિ દેખાડવામાં આવી હતી. તે દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો પ્રસ્તાવિત અમેરિકાનો પ્રવાસ રદ કરી દીધો હતો અને પ્રજા વચ્ચે એવી વાહવાહ લૂંટી હતી કે તેઓ વડાપ્રધાનની અપીલનું કેટલું ચુસ્ત પાલન કરે છે. પરંતુ થોડા સમયમાં જ આ શિસ્ત અને દેશભક્તિ ભુલાઈ ગઈ હોય તેમ, વડાપ્રધાનની એ જ અપીલને ઠુકરાવીને તેઓ સ્વિટ્ઝર્લેન્ડના પ્રવાસે રવાના થઈ ગયા છે.

આ પણ વાંચો: હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત

કરકસરના પાઠ માત્ર સામાન્ય જનતા માટે જ?

આ પ્રવાસને પગલે સામાન્ય નાગરિકો અને વિપક્ષ દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જનતાના ટેક્સના પૈસે વિદેશના આંટાફેરા મારવાનો મોહ મંત્રીઓ ક્યારે છોડશે? એક બાજુ પ્રજાને આત્મનિર્ભરતા અને કરકસરના પાઠ ભણાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ નેતાઓ ખુદ તેનો અમલ કરતા નથી. આ સ્થિતિ જોતાં એવો ઘાટ ઘડાયો છે કે નિયમો અને આકરા આર્થિક પાઠ માત્ર સામાન્ય જનતાએ જ સહન કરવાના છે, જ્યારે સત્તામાં બેઠેલા મંત્રીઓને આવી કોઈ આંચ આવતી નથી.