Gujarat

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ્ત

By GS TEAM
16 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળ અને અખાદ્ય પદાર્થો નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક પાણીપુરીના સ્ટોલ પર પાણીપુરી ખાવા ગયેલી યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ્ત

Ahmedabad Food Stall Viral Video: અમદાવાદમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળ અને અખાદ્ય પદાર્થો નીકળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં એક પાણીપુરીના સ્ટોલ પર પાણીપુરી ખાવા ગયેલી યુવતીની પાણીપુરીમાંથી હાડકું નીકળતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગની તપાસ બાદ લારી જપ્ત કરાઈ છે. 

સોશિયલ મીડિયા પર ફરિયાદ બાદ AMCના દરોડા

મળતી માહિતી મુજબ, શુક્રવારે સોશિયલ મીડિયા પર પાણીપૂરીની ગુણવત્તા અને અસ્વચ્છતા અંગેની ફરિયાદ વ્યાપકપણે વાયરલ થઈ હતી. જેના આધારે એએમસીના ફૂડ ડિપાર્ટમેન્ટે રાણીપ જીએસઆરટીસી (GSRTC) બસ સ્ટોપ નજીક કાર્યરત ક્રિષ્ના ભેળ પકોડી નામની લારી પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.

અસ્વચ્છતા બદલ ફટકારાયો 10,000 રૂપિયાનો દંડ 

તપાસ દરમિયાન લારી પર ખાદ્યપદાર્થોના સ્ટોરેજ અને સ્વચ્છતામાં ગંભીર બેદરકારી જોવા મળી હતી. આથી, સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કોર્પોરેશને લારીના સંચાલક દિનેશભાઈ પ્યારેલાલ તેલી વિરૂદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પબ્લિક હેલ્થ બાય-લોઝ, 2012 હેઠળ કાર્યવાહી કરી છે.

તંત્ર દ્વારા 16 મે, 2026ના રોજ અસ્વચ્છ સ્થિતિમાં ખાદ્યપદાર્થોનું વેચાણ અને વિતરણ કરવા બદલ વેપારીને 10,000 રૂપિયાનું ઈ-ચલણ (વહીવટી દંડ) ફટકારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ શહેરમાં અન્ય ખાણીપીણીની લારીઓ પર પણ કડક ચેકિંગની માંગ ઉઠી છે.

પહેલા વાળ નીકળ્યો, પછી છેલ્લી પાણીપુરીમાંથી હાડકું!

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં યુવતીએ પોતાની આપવીતી જણાવતા ગંભીર આક્ષેપો કર્યા છે. વાઇરલ વીડિયોમાં યુવતી જણાવે છે કે, 'હું મારી માતા સાથે રાણીપ વિસ્તારમાં આવેલા એક ફૂડ સ્ટોલ પર પાણીપુરી ખાવા માટે ગઈ હતી. શરૂઆતમાં જ્યારે મારી માતાએ પાણીપુરી ખાધી ત્યારે એક પાણીપુરીમાંથી વાળ નીકળ્યો હતો. જોકે, તેને સામાન્ય ગણીને નજરઅંદાજ કર્યો હતો. જ્યારે છેલ્લી પાણીપુરી ખાવામાં આવી, ત્યારે તેમાંથી હાડકાનો એક ટુકડો નીકળ્યો હતો. આ જોઈને અમેસ્તબ્ધ થઈ ગયા હતા.

યુવતીએ વીડિયોમાં દાવો કર્યો છે કે, 'જ્યારે મે હાડકા અંગે સ્ટોલ સંચાલકને પૂછ્યું, ત્યારે તેણે પહેલા એવું બહાનું બનાવ્યું કે આ હાડકું નથી પણ લાકડું છે. જોકે, ત્યાં હાજર અન્ય લોકોને આ વસ્તુ બતાવવામાં આવતા તેણે પણ હાડકું હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ, સત્ય છુપાવવા માટે સંચાલકે તેને કાપીને બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વસ્તુ કપાઈ નહોતી. આખરે પોતાની પોલ ખુલી જતાં સ્ટોલ સંચાલકે સ્વીકાર્યું હતું કે તે હાડકું જ છે અને ક્યાંકથી ઉડીને આવી ગયું હશે, તેમ કહીને હાથ જોડી માફી માંગી લીધી હતી.'

આ પણ વાંચો: અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

આ વીડિયો વાઈરલ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું હતું. આ મામલે યુવતીની ફરિયાદ બાદ પાણીપુરીની લારી જપ્ત કરાઈ છે.