ખાડિયામાં ભાજપને ભૂષણ ભટ્ટની દાદાગીરી નડી? 54 વર્ષ બાદ મેજર અપસેટ સર્જાતાં તર્ક-વિતર્ક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE -x.com/BhushanABhatt) |
Khadia Ward Election Results: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે સૌથી મોટો અને આઘાતજનક ઉલટફેર ખાડિયા વોર્ડમાં જોવા મળ્યો છે. છેલ્લા 54 વર્ષના ઈતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવી ઘટના મંગળવારે ઘટી, જેમાં ભાજપનો આ અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. ખાડિયામાં કોંગ્રેસની આખી પેનલે ઐતિહાસિક ક્લિન સ્વિપ કરતા રાજકીય ગલિયારાઓમાં સન્નાટો છવાઈ ગયો છે. કોંગ્રેસના ચારેય ઉમેદવારો—મીના નાયક, બિરજુબહેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઈલિયાસ પઠાણ—ભવ્ય વિજય મેળવીને આ બેઠક પર કબજો જમાવી લીધો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા ખાડિયાના રહીશો માટે પણ આ પરિણામ કોઈ મોટા આંચકાથી ઓછું નથી.
ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર અને કોમર્શિયલ બાંધકામની 'દાદાગીરી'
સ્થાનિક ચર્ચાઓ અને વિગતો મુજબ, ભાજપની આ કારમી હાર પાછળ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની કાર્યશૈલી અને કથિત ભ્રષ્ટાચાર મુખ્ય જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આરોપ છે કે રહેણાંક મકાનો સસ્તામાં પડાવી લઈને ત્યાં આડેધડ કોમર્શિયલ ગોડાઉનો ખડકી દેવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિઓને કારણે જ ખાડિયાની પરંપરાગત ઓળખ સમાન પોળો ખાલી થવા માંડી છે. ભૂષણ ભટ્ટના કારણે સ્થાનિકોમાં જે રોષ હતો, તે મતદાનમાં પરિણમ્યો. 'ખાડિયા બચાવો આંદોલન' હેઠળ સ્થાનિકોએ અવાજ ઉઠાવ્યો હતો અને ભાજપે તેમને મનાવવાના તમામ પ્રયાસો કર્યા હોવા છતાં પ્રજાનો રોષ શાંત પડ્યો નહોતો.
હેરિટેજની ઓળખ અને મતદારોનું સ્થળાંતર
ખાડિયા પોતાની ઐતિહાસિક પોળો અને હેરિટેજ સંસ્કૃતિ માટે જાણીતું છે, પરંતુ વધી રહેલા કોમર્શિયલ બાંધકામોને કારણે મૂળ અમદાવાદીઓ અને ભાજપની પરંપરાગત વોટબેન્ક ગણાતા પરિવારો અહીંથી સ્થળાંતર કરી ગયા છે. SIRની કાર્યવાહી બાદ વોર્ડમાંથી અંદાજે 24,678 જેટલા મતદારો ઓછા થઈ ગયા હતા, જેનાથી કુલ મતદાર સંખ્યા ઘટીને 73,098 થઈ ગઈ હતી. મતદારોની સંખ્યામાં થયેલો આ મોટો ઘટાડો અને હેરિટેજ મકાનોની જાળવણીના પ્રશ્નોએ ભાજપના પાયા હલાવી દીધા છે. ભાજપના વિકાસના દાવાઓ સામે સ્થાનિક પ્રશ્નો અને કોમર્શિયલ અતિક્રમણ ભારે પડી ગયા છે.
આંતરિક રાજનીતિ અને હારનો કારસો
ખાડિયાના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો, 1972માં જનસંઘના સમયથી સ્વ. અશોક ભટ્ટ અહીંથી વિજય મેળવતા આવ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી ભાજપની અંદર જ હરીફોને તોડી પાડવાની રાજનીતિ રમાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવી પણ વાતો વહેતી થઈ છે કે ભાજપના જ કેટલાક નેતાઓએ પડદા પાછળથી પક્ષના ઉમેદવારોને હરાવવાનો કારસો રચ્યો હતો. 'બુચમેન' તરીકે જાણીતા પંકજ બી. ભટ્ટ જો બીજી ટર્મમાં જીતી જાય તો ભવિષ્યમાં વિધાનસભાના દાવેદાર બની શકે તેમ હતા, જેથી તેમને રોકવા અપક્ષ ઉમેદવારો ઉભા કરી ભાજપના જ મતો તોડવામાં આવ્યા હોવાની ચર્ચા રહીશોમાં જોર પકડી રહી છે.








