Gujarat

અમદાવાદ: તમારી સમસ્યા કોણ સાંભળે, AMCના ડેપ્યુટી કમિશનરને પણ અધિકારીઓ ગાંઠતા નથી

By GS TEAM
6 Feb 20262 mins read
TukuTouch Logo
કોર્પોરેશનના ઈતિહાસમાં પહેલીવાર ડેપ્યુટી કમિશનરની ફરિયાદ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ ફેબ્રુઆરીએ યોજાયેલી વિકલી રિવ્યૂ બેઠકમાં ખુદ ડેપ્યુટી કમિશનરે પોતાના ઝોનના પાયાના પ્રશ્નોની ફરિયાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: તમારી સમસ્યા કોણ સાંભળે, AMCના ડેપ્યુટી કમિશનરને પણ અધિકારીઓ ગાંઠતા નથી

Ahmedabad News : અમારા ઝોનમાં સ્ટ્રીટ લાઈટ, ગંદકી અને રખડતા ઢોરના પ્રશ્નો ઉકેલાતા નથીઃ કોર્પોરેશનના ઈતિહાસમાં પહેલીવાર ડેપ્યુટી કમિશનરની ફરિયાદ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ ફેબ્રુઆરીએ યોજાયેલી વિકલી રિવ્યૂ બેઠકમાં ખુદ ડેપ્યુટી કમિશનરે પોતાના ઝોનના પાયાના પ્રશ્નોની ફરિયાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. એવું કહેવાય છે કે, આજ સુધીના ઈતિહાસમાં પહેલીવાર કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીએ આવી ફરિયાદ કરવાની ફરજ પડી હતી. ત્યારે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે, જો કોર્પોરેશનના અધિકારી ડેપ્યુટી કમિશનરનો આદેશ માનતા ના હોય, તો સામાન્ય શહેરીજનોની ફરિયાદોનું શું ધ્યાન આપતા હશે!

ડેપ્યુટી કમિશ્નર પણ અધિકારીઓથી ત્રસ્ત

આ બેઠકમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર ભરત પરમારે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારા ઝોનમાં સ્ટ્રીટ લાઈટ બંધ થવાની બહુ ફરિયાદ રહે છે. આ અંગે વારંવાર ધ્યાન દોરવા છતાં જે તે વિભાગના અધિકારી ધ્યાન આપતા નથી. જ્યારે રાઉન્ડ દરમિયાન ચાર-પાંચ જાહેર શૌચાલયમાં સફાઈનો અભાવ તથા રખડતા પશુઓ પણ રસ્તા પર દેખાયા હતા.’

આ પણ વાંચો : AMC બજેટમાં વિવાદ: કતલખાના માટેની ₹32 કરોડની જોગવાઈનો ભારે વિરોધ, આખરે પાલિકાએ નિર્ણય પાછો ખેંચ્યો

કમિશ્નરે કહેવું પડ્યું હું તમારી સાથે આવીશ

અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરની આ ફરિયાદને ગંભીરતાથી લઈને કમિશનરે જે તે વિભાગના અધિકારીઓના જવાબો માંગ્યા હતા. બીજી તરફ, વારંવાર સૂચના આપવા છતાં ગેરકાયદે બાંધકામો તથા દબાણો અંગે પગલાં કેમ નથી લેવાતા તેવો સવાલ કમિશનરે એસ્ટેટ અને ટીડીઓ ખાતાને કર્યો હતો. આ સવાલના જવાબમાં અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત ન મળતો હોવાનું રૂટિન બહાનું આગળ ધરી દીધું હતું. જેની સામે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, દબાણ કે ગેરકાયદે બાંધકામ હટાવવા માટે કોર્પોરેશનના સ્ટાફને પોલીસ બંદોબસ્તની જરૂર પડે જ નહીં અને છતાં જરૂર પડે તો કહેજો, આ કાર્યવાહી કરવા માટે હું સાથે આવીશ!

તમામ વિભાગોને કામ કરવા સુચના

નોંધનીય છે કે, આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ બજેટમાં સૂચવવામાં આવેલા 50 કરોડથી વધુની રકમના જુદા જુદા વિભાગના કામોની યોગ્ય અમલને લગતો અહેવાલ આપવા પણ કમિશનરે સૂચના આપી હતી.