Get The App

AMC બજેટમાં વિવાદ: કતલખાના માટેની ₹32 કરોડની જોગવાઈનો ભારે વિરોધ, આખરે પાલિકાએ નિર્ણય પાછો ખેંચ્યો

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
AMC બજેટમાં વિવાદ: કતલખાના માટેની ₹32 કરોડની જોગવાઈનો ભારે વિરોધ, આખરે પાલિકાએ નિર્ણય પાછો ખેંચ્યો 1 - image


Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026-27નું ₹17,108 કરોડનું ભવ્ય ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જોકે, આ બજેટમાં વિકાસના કામો કરતાં એક ખાસ જોગવાઈએ રાજકીય ગરમાવો લાવી દીધો હતો. નવા અદ્યતન સ્લોટર હાઉસ (કતલખાના) માટે ફાળવવામાં આવેલા ₹32 કરોડનો ખુદ શાસક પક્ષ ભાજપે ઉગ્ર વિરોધ કરતાં, અંતે પાલિકાએ આ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરી છે.

શું હતો સમગ્ર વિવાદ?

ગઈકાલે કમિશ્નર દ્વારા બજેટ રજૂ થયા બાદ મેયરના બંગલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બજેટમાં દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં નવા હાઈટેક સ્લોટર હાઉસની દરખાસ્ત જોઈને ભાજપના નેતાઓ રોષે ભરાયા હતા.

ભાજપના નેતાઓએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, "મૂંગા પશુઓના વધ માટે સ્લોટર હાઉસનું બજેટ ફાળવવામાં આવે તે કદાપિ સહન કરી શકાય નહીં. અમે આ નિર્ણય સાથે જરાય સંમત નથી." પક્ષના દબાણ અને લોકલાગણીને માન આપીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ દરખાસ્ત રદ કરવાની બાંહેધરી આપી હતી.

સ્લોટર હાઉસ પ્રોજેક્ટની શું હતી વિગત?

બજેટમાં સૂચિત આ પ્રોજેક્ટ અત્યંત આધુનિક બનાવવાની યોજના હતી. જેમાં ટી. પી. 32 (શાહવાડી-બહેરામપુરા) ખાતે અંદાજે 15,882 સ્ક્વેર મીટર જગ્યા ફાળવવાની દરખાસ્ત હતી. જેમાં પશુઓ માટે 24x7 ડૉક્ટર, એન્ટીમોર્ટમ રૂમ, ચિલિંગ ફેસિલિટી અને એસી વાહનોની વ્યવસ્થા કરાશે તેવી માહિતી અપાઈ હતી. દરખાસ્તમાં બ્લડ ટ્રીટમેન્ટ માટે રેન્ડરિંગ પ્લાન્ટ અને એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(ETP)ની પણ જોગવાઈ હતી. આ સ્લોટર હાઉસ સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ આધુનિક સુવિધા ઊભી કરવાની યોજના હતી.

રાજકીય ગણિત અને ઈમરાન ખેડાવાલાનું સૂચન

સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રજૂઆત કરી હતી કે, એસ.ટી. સ્ટેન્ડ પાસેનું વર્તમાન સ્લોટર હાઉસ પીપળજ બાજુ શિફ્ટ કરવું જોઈએ અને ત્યાં નાગરિકો માટે પાર્ટી પ્લોટ બનાવવો જોઈએ. જોકે, આ મુદ્દાને હવે ભાજપે પશુ હિંસા સાથે જોડીને પ્રોજેક્ટ પર બ્રેક લગાવી દીધી છે.

અમદાવાદના વિકાસ માટે ₹17 હજાર કરોડથી વધુનું બજેટ ફાળવાયું હોવા છતાં, 'સ્લોટર હાઉસ' મુદ્દે થયેલા વિવાદે આખા બજેટમાં સૌથી વધુ ચર્ચા જગાવી છે. હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવતા રાજકીય વિવાદ શાંત પડ્યો છે.