સ્થાનિક
તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની મિલીભગતનો આક્ષેપ
ટેન્ડરની
શરતો નેવે મુકી રોયલટી ભર્યા વગર માટીનું ખોદકામ કરી તળાવમાં પુરાણ કરતા સરકારી
તિજોરીને નુકસાન
સુરેન્દ્રનગર -
સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકા દ્વારા રૃ.૬.૫૫ કરોડના ખર્ચે
હાથ ધરવામાં આવેલ તળાવ બ્યુટીફિકેશનનું કામ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ટેન્ડરની
શરતો મુજબ, કામગીરીમાં વપરાતા તમામ ખનીજ તત્વોની રોયલ્ટી ભરવી
ફરજિયાત હોવા છતાં, કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા રોયલ્ટી ભર્યા
વિના જ માટીનું પુરાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે.
અરજદારના
જણાવ્યા મુજબ, તળાવમાંથી જ બેફામ રીતે માટીનું ખોદકામ કરી તેનો ઉપયોગ પુરાણ માટે કરવામાં
આવ્યો છે, જેના કારણે સરકારની તિજોરીને અંદાજે એક કરોડ
રૃપિયાથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા છે.
આ
મામલે અગાઉ સ્થાનિક વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગને વારંવાર લેખિત રજૂઆતો
કરવામાં આવી હતી, પરંતુ જવાબદાર અધિકારીઓએ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા હવે મામલો
મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સુધી પહોંચ્યો છે. આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર
એજન્સીને આથક લાભ કરાવવા માટે અધિકારીઓએ જાણીજોઈને આંખ આડા કાન કર્યા છે. રજૂઆતમાં
માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય વિજિલન્સ તપાસ કરવામાં આવે
અને માટી ખરીદીની રસીદો તથા રોયલ્ટીના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે.
જો અધિકારીઓની સંડોવણી સાબિત થાય તો તેમની સામે પણ કડક પગલાં ભરવાની માંગ પ્રબળ
બની છે.


