Al Mukhtar Boat Seized In Dwarka Sea: ગુજરાતના દરિયાકાંઠે નશીલા પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતીય કોસ્ટગાર્ડે વધુ એક વખત મોટી સફળતા મેળવી છે. દેવભૂમિ દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 'અલ મુખ્તાર' નામની ઈરાની બોટને કરોડોની કિંમતના વિદેશી સિગારેટના જથ્થા સાથે પકડી પાડવામાં આવી છે.
બાતમી આધારે મળી સફળતા
કોસ્ટગાર્ડને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ જહાજ ભારતીય જળસીમામાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ પ્રવેશી રહ્યું છે. આ બાતમીના આધારે મધદરિયે ઓપરેશન શરૂ કરાયું હતું. સુરક્ષા એજન્સીઓએ 'અલ મુખ્તાર' બોટને આંતરીને તેની તપાસ હાથ ધરતા જહાજના હોલ્ડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. તપાસ દરમિયાન વિદેશી બ્રાન્ડની સિગારેટના 200 જેટલા કાર્ટન મળી આવ્યા હતા, જેમાં અંદાજે 1 લાખ પેકેટ હોવાનું ખુલ્યું છે.આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત 2.5 કરોડથી 5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત બોટમાં સવાર 4 ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલી બોટ અને ઈરાની શખસોને વધુ તપાસ માટે પોરબંદર જેટી પર લાવવામાં આવશે. આ મામલે વિવિધ એજન્સીઓ દ્વારા આ જથ્થો કયા દેશમાંથી લાવવામાં આવ્યો હતો, ગુજરાતના દરિયાકાંઠે આ માલ કોને પહોંચાડવાનો હતો, શું આ સ્મગલિંગ નેટવર્ક પાછળ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય માથાઓની સંડોવણી છે? આ અંગેની તપાસ કરવામાં આવશે. ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર ડ્રગ્સ અને સ્મગલિંગના મકસદ માટે ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલીંગમાં વધારો કર્યો છે.


