Get The App

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે  AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી 1 - image

Vadodara RTO Office : તા.2 જૂનથી દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની શરૂઆત કરાઈ છે.

નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ખાસ કરીને ફોર-વ્હીલર ટેસ્ટમાં અરજદારોના નાપાસ થવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. અગાઉના ટ્રેકમાં રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ જેવી કસોટીઓ લેવામાં આવતી હતી. નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલનો ઉમેરો કરાયો છે. ગઈકાલે શુક્રવારે લેવાયેલા ટેસ્ટના આંકડાઓ મુજબ, ટુ-વ્હીલરના 112 અરજદારોમાંથી 88 અરજદારો પાસ થયા હતા. જ્યારે ફોર-વ્હીલરના 69 અરજદારોમાંથી માત્ર 10 અરજદારો જ સફળ થયા હતા. પાર્કિંગ દરમિયાન થતી ભૂલો અને ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન ફોર-વ્હીલર અરજદારોના નાપાસ થવાના મુખ્ય  કારણો હોવાનું જાણવા મળે છે. આરટીઓના

નિયમો મુજબ, કોઈ અરજદાર પરીક્ષામાં નિષ્ફળ જાય તો તે સાત-સાત દિવસના અંતરે વધુ બે વખત ટેસ્ટ આપી શકે છે. જો ત્રીજી વખત પણ સફળતા ન મળે તો ચોથી વખત ટેસ્ટ આપવા માટે બે મહિના સુધી રાહ જોવી પડે છે. નવી એઆઈ સિસ્ટમ હેઠળ 360 ડિગ્રી હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને સોફ્ટવેર દ્વારા અરજદારની સમગ્ર ડ્રાઈવિંગ પ્રક્રિયાનું સતત મોનીટરિંગ કરવામાં આવે છે. રોડ માર્કિંગ, વાહનની ગતિ, દિશા તેમજ ટ્રાફિક નિયમોના પાલનનું નિરીક્ષણ કરીને સિસ્ટમ આપમેળે પરિણામ જાહેર કરે છે. પરીક્ષા દરમિયાન થયેલી ભૂલો પણ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જેના આધારે અરજદાર પાસ કે 'ફેઈલ થયો તે એઆઈ નક્કી કરે છે.