અમદાવાદના નોબલનગર નજીક કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Woman Death Case: અમદાવાદ શહેરના નોબલનગર ચાર રસ્તા પાસે મંગળવારે (17 માર્ચ, 2026) એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં રોડ પાસેની ઝાડીઓમાંથી એક અજાણી મહિલાની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસની ટીમ દોડતી થઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું જણાય છે, જેમાં આરોપીઓએ અન્ય સ્થળે હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને અહીં લાવી સળગાવી હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.
અવાવરૂ જગ્યાએથી લાશ મળીપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નોબલનગર ચાર રસ્તા નજીક આવેલી ઝાડીઓમાં કોઈ માનવ શરીર સળગતું હોવાનું ધ્યાને આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લાશ ઘણી ખરી બળી ગયેલી હાલતમાં હતી. મૃતદેહની આસપાસની સ્થિતિ જોતા એવું લાગે છે કે લાશને અહીં ફેંકી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેવાઈ હતી.
પોલીસને શંકા છે કે મૃતકની ઓળખ ન થાય તે હેતુથી જ લાશને સળગાવવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા હોવાનું જણાય છે, પરંતુ લાશ અત્યંત ખરાબ રીતે બળી ગઈ હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે."
CCTV ફૂટેજ અને ગુમ થયેલા લોકોની તપાસ
ઘટનાની ગંભીરતાને જોતા લોકલ પોલીસની સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ની ટીમે પણ નમૂના એકત્ર કર્યા છે. પોલીસે નોબલનગર અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી કોઈ શંકાસ્પદ વાહન કે વ્યક્તિની અવરજવર વિશે જાણી શકાય. આ ઉપરાંત, શહેરમાં છેલ્લા 24 થી 48 કલાકમાં ગુમ થયેલી મહિલાઓની વિગતો પણ તપાસવામાં આવી રહી છે.
હત્યા બાદ લાશનો નિકાલ કર્યાની આશંકા
પોલીસનું માનવું છે કે, આ એક પૂર્વઆયોજિત હત્યાની ઘટના હોઈ શકે છે. હત્યા કર્યા બાદ લાશને અવાવરૂ જગ્યાએ લાવી સળગાવવી એ રીઢા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી હોઈ શકે. હાલમાં લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.








