Ahmedabad News : અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા એક સ્ટોરમાં કેશિયરે લાખો રૂપિયાની ઉચાપત કર્યાની ઘટના સામે આવી છે. અહીં સુક્રુતિ ગૃહ ઉદ્યોગ અને ગોરમે નામના સ્ટોરના કેશિયર તરીકે કામ કરતાં બે કર્મીએ હિસાબમાં ગડબડ કરીને કુલ રૂપિયા 25,19,972ની ઉચાપત કરી છે. આ ઘટના અંગે મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે, ડિસેમ્બર 2024થી 31-10-2025 સુધી થયેલી આ ઉચાપત અંગે ગત 3-11-2025 રોજ મેનેજર દ્વારા તપાસ કરતા જાણ થયા બાદ 21-2-2026ના રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
જયમીન શાહે નોંધાવી ફરિયાદ
આ ઘટના અંગે ઘાટલોડિયામાં રહેતા 28 વર્ષીય જયમીનભાઈ શાહ નામના શખ્સે સ્ટોરમાં થયેલી લાખો રૂપિયાની ઉચાપત અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના જણાવ્યું છે કે, સુક્રુતિ ગૃહ ઉદ્યોગ અને ગોરમે નામના સ્ટોરમાં નિર્ભયસિંહ અને કેશવ ગોયલ નામના બે કેશિયર દ્વારા ડિસેમ્બર 2024 થી 31-10-2025 સુધી ઓપનિંગ સ્ટોક, ખરીદ બાદ વેચાણ સ્ટોક, બીજા સ્ટોરમાં કરવામાં આવતા ઇન્ટરનલ ટ્રાન્સફર, હાલનો કરંટ સ્ટોકનો હિસાબ, ખરીદ વેચાણ અને નફા નુકસાનના 24,48,972 રૂપિયા અને કસ્ટમરના રોકડ હિસાબના 71,000 રૂપિયા એમ કુલ 25,19,972 રૂપિયાની ઉચાપત કરી છે.
સ્ટોક ચેક કરતા કૌભાંડ બહાર આવ્યું
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, સુપ૨ સેન્ટર રીટેલ હબ પ્રા.લી કંપનીમાં એકાઉન્ટ અને એડમીન હેડ મેનેજર જયમીનભાઈ શાહ ગઇ તારીખ 01-11-2025ના રોજ સુક્રુતિ ગ્રુહ ઉધોગ એન્ડ ગોરમે સ્ટોર ખાતે વાર્ષિક સ્ટોક ચેક કરવા ગયેલ હતા. તારીખ 3-11-2025એ સ્ટોક ચેક કરતા ડીસેમ્બર 2024થી તારીખ 31-10-2025 સુધીમાં કંપનીએ સ્ટોરમાં આવેલ ઓપનીંગ સ્ટોક તથા ખરીદી બાદ કરતા વેચાણ સ્ટોક તેમજ બીજા સ્ટોર પર કરવામાં આવતા ઇન્ટરનલ ટ્રાંન્સફર તથા હાલનો કરન્ટ સ્ટૉકનો હિસાબ કરી ખરીદ વેચાણ તેમજ નફા નુકશાન જોતા સ્ટોરમાં રૂપિયા 24,48,972નો સ્ટોક ઓછો હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર
CCTV ચેક કરતા કૌભાંડ બહાર આવ્યું
આ પછી સ્ટોરના CCTV કેમેરા ફુટેજ ચેક કરતા કેસ કાઉન્ટર પર નોકરી કરતા બન્ને કેશીયરમાંથી મૂળ રાજસ્થાનના ચાંદલોડીયામાં રહેતા નિર્ભયસિંહ ઉર્ફે નરેન્દ્ર અને જનતાનગરમાં રહેતા કેશવ ગોયલે ભેગા મળી સ્ટોરમાં આવેલા ગ્રાહકોને વેચાણ આપેલ માલ સામાનનું બીલ ગ્રાહકોને વાતોમાં રાખી આપતા નહી કે બીલ પંચ કરતા નહીં હોવાનુ જાણવા મળ્યું હતું.
બિલ આપ્યા વગર માલ પધરાવતા હતા
આ પછી સ્ટોરબંધ કર્યા બાદ આખા દિવસમાં સ્ટોરમાં થયેલ માલ-સામાન હિસાબમાંથી બીલ વગર વેચાણ આપી કેશ પોતાની પાસે રાખી લેતા હતા. આ ઉપરાંત આ બન્નેએ સ્ટોરમાં ગ્રાહકોએ ખરીદ કરેલી વસ્તુના આવેલ રોકડ રકમના રૂપિયા 71,000ની પણ ઉચાપત કરી હોવાનું CCTVમાં કેદ થઈ હતી. આ પછી સ્ટોરનો માલ સામાન અને ઇન્ટરનલ તપાસ કરતા રુપિયા 24,48,972 અને બીજા રોકડા રૂપિયા 71,000 સહિત કુલ રૂપિયા 25,19,972ની બન્નેએ સ્ટોરમાંથી માલ સામાન અને કેસની ઉચાપત કરેલ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.


