Night Robbery Gang Arrested Ahmedabad: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા આઠ મહિનાથી રાત્રિના સમયે ખેતરોમાં રખેવાળી કરતા શ્રમિકો અને ખેડૂતો માટે કાળ સમાન બનેલી ગેંગને ઝડપી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય LCBને મોટી સફળતા મળી છે. ઊંઘતા લોકોના કાન કાપીને સોનાના દાગીનાની લૂંટ ચલાવતી ગેંગના બે શખસને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
સૂતેલા લોકો પર હુમલો કરી કાન કાપી લેતા
મળતી માહિતી અનુસાર, સાણંદ, ચાંગોદર અને કેરાળા GIDC જેવા વિસ્તારોમાં ખેતરોમાં પાકની રખેવાળી કરવા સૂતેલા ખેડૂતો અને મહિલાઓ પર આ ગેંગ ત્રાટકતી હતી. આ લૂંટારુ એટલા ક્રૂર હતા કે લૂંટના ઈરાદે સૂતેલા લોકો પર જીવલેણ હુમલો કરી, તેમના કાન કાપીને સોનાની કાનની વાળીઓ, બુટ્ટીઓ ખેંચી લેતા હતા. આ પ્રકારની ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળતો હતો.
આરોપીને પકડવા માટે LCBનો એક્શન પ્લાન
વધતી જતી લૂંટની ઘટનાઓને ગંભીરતાથી લઈ અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાળ બિછાવી હતી. બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી દશરથ દેવીપૂજક અને સંજય કોદારિયાની ધરપકડ કરી છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ સાણંદ ગામ, સાણંદ GIDC, કેરાળા અને ચાંગોદર વિસ્તારમાં કરેલી લૂંટની કબૂલાત કરી હતી. આ કેસમાં હજુ એક આરોપી પ્રકાશ રતીલાલ દેવીપુજક ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે.
રૂ. 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના દાગીના સહિતનો મોટો મુદ્દામાલ રિકવર કર્યો છે. અંદાજે 57 ગ્રામથી વધુ સોનાના અને ચાંદીના દાગીના સહિત કુલ 6,69,771 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે.
અમદાવાદ ગ્રામ્ય LCBએ પકડાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાણંદ ટાઉન પોલીસ મથકે સોંપ્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કોઈ વિસ્તારોમાં પણ આ પ્રકારના ગુના આચર્યા છે કે કેમ.


