Get The App

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી 1 - image


Stock Market Scam: અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી સલાહકાર તરીકે નિવૃત્ત 71 વર્ષીય વૃદ્ધ ઓનલાઇન સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. શેરબજાર અને આઇપીઓમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપીને ઠગોએ આ વૃદ્ધ પાસેથી અધધ 1.21 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. છેતરપિંડી આચરનારા ભેજાબાજોએ જાણીતી ફાઇનાન્શિયલ કંપની IIFLના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને આ મોટા કૌભાંડને અંજામ આપ્યો હતો.

શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી

આ ઘટનાની શરૂઆત ગત 19મી માર્ચના રોજ થઈ હતી, જ્યારે વૃદ્ધને IIFL કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપતી એક અજાણી યુવતીનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેમને શેરબજારની ટિપ્સ આપતા એક વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. ગઠિયાઓએ આ ગ્રુપમાં અન્ય લોકો દ્વારા શેર ખરીદીને કમાયેલા નફાના બોગસ સ્ક્રીનશોટ શેર કરવાનું શરૂ કર્યું, જેથી વૃદ્ધને તેમની પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો. આ વિશ્વાસ કેળવ્યા બાદ, ઠગોએ વૃદ્ધને રોકાણ કરવાના બહાને એક ખાસ શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.

આ બનાવટી એપ્લિકેશનના માધ્યમથી વૃદ્ધે છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન વિવિધ આઇપીઓ અને શેરમાં કુલ 1.21 કરોડ રૂપિયાનું માતબર રોકાણ કર્યું હતું. જોકે, સમય જતાં જ્યારે તેમણે પોતાના રોકાણ કરેલા નાણાં અને નફો પરત ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને કોઈ રકમ ચૂકવવામાં આવી ન હતી. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં, પીડિત વૃદ્ધે તાત્કાલિક સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.