Get The App

અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: એલિસબ્રિજ પોલીસે પાન-મસાલાના ગલ્લાના માલિકને દબોચ્યો, સગીરને સિગારેટ વેચવી પડી ભારે 1 - image


Pan Stall Owner Arrested In Ahmedabad: અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં સગીર વયના બાળકોને તમાકુ અને સિગારેટ જેવા નશીલા પદાર્થો વેચતા વેપારીઓ સામે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે. શહેરની વી.એસ. હોસ્પિટલની સામે આવેલી એક પાન-તમાકુની દુકાન પર પોલીસે દરોડા પાડીને 30 વર્ષીય દુકાનદાર સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસે કેવી રીતે દુકાનદાર ધરપકડ કરી?

મળતી માહિતી અનુસાર, સગીરોને તમાકુના ઉત્પાદનો વેચતા ગેરકાયદે વેપારને ડામવા માટે એલિસબ્રિજ પોલીસની ટીમે એક વ્યૂહરચના બનાવી હતી. પોલીસે એક 16 વર્ષના સગીર કિશોરને તૈયાર કર્યો અને તેને 50 રૂપિયાની નોટ આપીને વી.એસ. હોસ્પિટલ સામેની દુકાને સિગારેટ ખરીદવા મોકલ્યો હતો. સગીરે સિગારેટનું પેકેટ માંગતા જ 30 વર્ષીય દુકાનદાર  જીતેન્દ્ર પ્રજાપતિએ તેની ઉંમરની ચકાસણી કર્યા વિના કે કોઈપણ ખચકાટ વગર સિગારેટ વેચી દીધી હતી. સિગારેટ આપતા જ નજીકમાં છુપાઈને ઉભેલી પોલીસની ટીમે ત્રાટકીને જીતેન્દ્રને રંગેહાથ ઝડપી લીધો હતો.

જેલની હવા ખાવાનો વારો આવ્યો

પોલીસે સગીરને વેચવામાં આવેલી સિગારેટ અને રોકડ રકમ પુરાવા તરીકે જપ્ત કરી છે. આરોપી જીતેન્દ્ર પ્રજાપતિ વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમ, 2015ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદો સગીરોને કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો વેચવા પર સખત પ્રતિબંધ મૂકે છે.

પોલીસ અધિકારીનું નિવેદન

તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'કાયદા હેઠળ સગીરોને તમાકુના ઉત્પાદનો વેચવા પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં, આરોપીએ કોઈપણ ચકાસણી વિના નશીલા પદાર્થનું વેચાણ કર્યું હતું. આ એક ગંભીર સજાપાત્ર ગુનો છે અને આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.'

ઉલ્લેખનીય છેકે, શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોની આસપાસ સગીરોને નશાના રવાડે ચઢાવતા અન્ય વેપારીઓમાં પણ આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.