Get The App

VIDEO| અમદાવાદ પ્લેન ક્રેશ: 'વળતરના 1.25 કરોડ મળતા જ જમાઈએ 6 મહિનામાં બીજા લગ્ન કરી લીધા', દીકરી ગુમાવનાર માતાનું આક્રંદ

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO| અમદાવાદ પ્લેન ક્રેશ: 'વળતરના 1.25 કરોડ મળતા જ જમાઈએ 6 મહિનામાં બીજા લગ્ન કરી લીધા', દીકરી ગુમાવનાર માતાનું આક્રંદ 1 - image

Ahmedabad Plane Crash: ગત વર્ષે 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી ગમખ્વાર પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે પૂરૂં એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ દર્દનાક અકસ્માતે અમરેલીના પડસાલા પરિવારની લાડલી અને એકની એક દીકરી રિદ્ધિને હંમેશા માટે છીનવી લીધી હતી. આજે એક વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં, કાળજાના ટુકડાને ગુમાવનાર માતા ગીતાબહેન પડસાલાના આંસુ સુકાવાનું નામ નથી લેતા. રડતા ચહેરે દીકરીની વેદના વર્ણવતા વર્ણવતા તેમણે સરકાર સમક્ષ આક્રોશ અને કરુણતા સાથે માંગ કરી છે કે, "સરકાર પ્લેનનું બ્લેક બોક્સ જાહેર કરે. અમારે કોઈ આર્થિક સહાય નથી જોઈતી, બસ વિમાન દુર્ઘટના કઈ રીતે થઈ તેનું સાચું કારણ જાણવું છે, જેથી ભવિષ્યમાં કોઈ બીજી માતાની કોખ ન ઉજડે."


લંડન જવા નીકળેલી 25 વર્ષની રિદ્ધિના સપના હવામાં જ ચકનાચૂર થયા

25 વર્ષની દીકરી રિદ્ધિ પડસાલાના લગ્ન મૂળ રાજકોટના અને હાલ લંડનમાં સ્થાયી થયેલા યુવાન સાથે થયા હતા. મે 2025માં રિદ્ધિ પોતાના પરિવારને મળવા ભારત આવી હતી. 12 જૂન 2025ના રોજ તે પરત લંડન જવા માટે રવાના થઈ રહી હતી. માતા ગીતાબહેને તે રાત યાદ કરતાં ભીની આંખે જણાવ્યું કે, "ઍરપૉર્ટ પર સામાન ચેક કરાવીને રિદ્ધિ અંદર ગઈ ત્યારે તેણે અમને વ્હાલથી કહ્યું હતું કે, તમે બધા આખી રાત જાગ્યા છો, હવે ઘરે જઈને સૂઈ જાઓ. હું પણ પ્લેનમાં સૂઈ જઈશ અને લંડન પહોંચીને ફોન કરીશ." પરંતુ કમનસીબે દીકરીનો 'હું પહોંચી ગઈ' એવો ફોન આવવાને બદલે તેના મોતના સમાચાર આપતો ફોન આવ્યો.

હજુ તો પરિવાર રસ્તામાં હતો ત્યાં જ આભ તૂટી પડ્યું!

દીકરીને ઍરપૉર્ટ પર મૂકીને પરિવાર કાર લઈને હજુ પરત ઘરે આવી રહ્યો હતો, ત્યાં જ અમદાવાદ ઍરપૉર્ટ પરથી ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થયાના સમાચાર મળ્યા. પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. દુર્ઘટના એટલી ભયાનક હતી કે પાંચ દિવસની લાંબી અને આકરી રાહ જોયા બાદ, ડીએનએ (DNA) ટેસ્ટ કરાવ્યા પછી જ દીકરીના મૃતદેહની ઓળખ થઈ શકી હતી. ત્યારબાદ લાડલીના પાર્થિવ દેહને અમરેલી લાવી અશ્રુભીની આંખે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

"અમારું તો બધું જ લૂંટાઈ ગયું... જમાઈએ 6 મહિનામાં બીજા લગ્ન કરી લીધા"

માતા ગીતાબહેને પોતાના ઘરની રોનક સમાન દીકરીને ગુમાવવાનું દર્દ ઠાલવતા એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "દીકરીના મોત બાદ સરકાર અને વીમા કંપની તરફથી મળતી તમામ આર્થિક સહાય જમાઈને મળી ગઈ હતી. તેમણે તો પત્નીના મોતના માત્ર 6 જ મહિનામાં બીજા લગ્ન કરી લીધા અને પ્રી-વેડિંગ ફોટોશૂટ પણ કરાવી લીધું! અમારું તો બધું જ લૂંટાઈ ગયું, પણ જમાઈ પોતાની જિંદગીમાં આગળ વધી ગયો."

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળે નવી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનાવાશે, NOC મળ્યું

અમરેલી જિલ્લાએ આ અકસ્માતમાં 6 રત્નો ગુમાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના આ ભયાનક અમદાવાદ પ્લેન ક્રેશમાં માત્ર રિદ્ધિ જ નહીં, પરંતુ અમરેલી જિલ્લાના કુલ 6 લોકો કાળનો કોળિયો બન્યા હતા. જેમાં અમરેલીના એક અન્ય દંપતી તેમજ વડીયાના એક યુવાનનો પણ સમાવેશ થતો હતો, જે પોતાની પત્નીની અંતિમવિધિ પતાવીને લંડન પરત ફરી રહ્યો હતો.

આજે એક વર્ષ બાદ પણ પીડિત પરિવારોના ઘા રૂઝાયા નથી. રિદ્ધિની માતાની બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની આ વાજબી માંગણી હવે સોશિયલ મીડિયા અને મીડિયા પ્લેટફોર્મ્સ પર ચર્ચાનો વિષય બની છે.