Get The App

અમદાવાદમાં મોટી કાર્યવાહી: PI એન.કે. રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં મોટી કાર્યવાહી: PI એન.કે. રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી 1 - image

Nikol police inspector suspended : અમદાવાદના નિકોલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો દ્વારા આચરવામાં આવેલા બહુચર્ચિત તોડકાંડમાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે શુક્રવારે કડક વલણ અપનાવ્યું છે. ત્રણ મહિના પહેલા બનેલી આ ઘટનામાં ગંભીર બેદરકારી અને સુપરવિઝનના અભાવ બદલ આઈ-ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI) એન.કે. રબારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો? 

પોલીસ કમિશનરના સસ્પેન્શન ઓર્ડર મુજબ ગત 17 ઓગસ્ટના રોજ દસ્તાન સર્કલ પાસે બપોરે 4 થી રાત્રે 9 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. જેમાં આઈ-ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ મુંબઈના એક વેપારીની હ્યુન્ડાઈ ક્રેટા કાર અટકાવી હતી. આ સમયે ત્યાં હાજર પોલીસકર્મીઓએ વેપારી અને તેમના ભાઈને પોલીસ કેબિનમાં લઈ જઈ મોબાઈલ ચેક કર્યા હતા અને ક્રિકેટ સટ્ટાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આરોપ છે કે પોલીસકર્મીઓએ બળજબરીથી રૂ.1 લાખ રોકડા અને રૂ.4.87 લાખ ઓનલાઈન મળી કુલ રૂ.5.87 લાખ પડાવી લીધા હતા. આ અંગે 19 સપ્ટેમ્બરે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

કોની કોની સંડોવણી બહાર આવી? 

તપાસમાં એક હેડ કોન્સ્ટેબલ અને ત્રણ TRB જવાનોની ભૂમિકા સામે આવી હતી. નાગજીભાઈ શંકરભાઈ ચૌધરી (હેડ કોન્સ્ટેબલ) ધરપકડ કરાઈ છે. જ્યારે રાજેશ પ્રહલાદભાઈ અને વિશાલ અશોકભાઈ (TRB) અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે અજય પટણી (TRB) હાલમાં ફરાર છે.

પોલીસ કમિશનરે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે રિંગ રોડ પર વાહનચાલકોને હેરાન કરવાની ફરિયાદો હોવા છતાં PI રબારી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં નિષ્ફળ ગયા હતા. ઘટના સમયે આરોપી કર્મચારીઓ દસ્તાન સર્કલ પર તૈનાત હતા તેવું જોબશીટ પરથી સાબિત થયું છે. આ ઘટનાથી પોલીસ દળની છબીને ગંભીર નુકસાન થયું છે. તેમના સુપરવિઝનમાં સ્પષ્ટ ખામી જોવા મળી છે, જેના કારણે તેમને ફરજ પર ચાલુ રાખવા જાહેર હિતમાં નથી. મુંબઈ પોલીસ ડિસિપ્લિન એન્ડ અપીલ રૂલ્સ, 1956 હેઠળ PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરી તેમનું હેડક્વાર્ટર શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે નક્કી કરવામાં આવ્યું છે.

માત્ર ફિલ્ડ સ્ટાફ જ નહીં પરંતુ સુપરવિઝન માટે જવાબદાર અધિકારી સામે પણ કડક પગલાં લેવાતા ટ્રાફિક વિભાગમાં સોપો પડી ગયો છે. કમિશનર દ્વારા ખાતાકીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.