Gujarat

અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઑફિસે સૂઈ ગયા

By GS TEAM
20 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાલતા ગેરકાયદે પેઇંગ ગેસ્ટ (PG) સામે મેગા સર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરવામાં આવી છે. 19મી ફેબ્રુઆરીના રોજ બોડકદેવ, વસ્ત્રાપુર અને ગોતા વિસ્તારમાં ફાયર સેફ્ટી અને સોસાયટીની મંજૂરી વગર ધમધમતા 50થી વધુ પીજીને સીલ મારી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઑફિસે સૂઈ ગયા

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચાલતા ગેરકાયદે પેઇંગ ગેસ્ટ (PG) સામે મેગા સર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરવામાં આવી છે. 19મી ફેબ્રુઆરીના રોજ બોડકદેવ, વસ્ત્રાપુર અને ગોતા વિસ્તારમાં ફાયર સેફ્ટી અને સોસાયટીની મંજૂરી વગર ધમધમતા 50થી વધુ પીજીને સીલ મારી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે.

ફાયર NOC અને સોસાયટીની મંજૂરીનો અભાવ

મળતી માહિતી અનુસાર, AMCના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રેમચંદ નગરમાં અહીં 33 જેટલા મકાનોમાં ચાલતા પીજીને સીલ કરવામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું કે આ સંચાલકોએ સોસાયટીની પૂર્વ મંજૂરી લીધી નહોતી અને ફાયર સેફ્ટીના સાધનો કે NOC પણ રાખ્યા નહોતા. જ્યારે ગોતા વિસ્તારમાં પણ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતાં પીજી એકમો સામે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: પંચમહાલ અને સુરતમાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

સંચાલકો અને વિદ્યાર્થીઓનો 'રાતભર' વિરોધ

આ કાર્યવાહીના વિરોધમાં મોટી સંખ્યામાં પીજી સંચાલકો અને ત્યાં રહેતા યુવક-યુવતીઓ એસ.જી. હાઇવે પર આવેલી અતિથિ હોટલ પાસેની ઉત્તર-પશ્ચિમ ઝોનની ઑફિસે ઉમટી પડ્યા હતા. લગભગ 100 લોકોનું ટોળું બોડકદેવ કોર્પોરેશન ઑફિસ પહોંચ્યું હતું અને ત્યાં જ જમીન પર સૂઈ જઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

પીજીમાં રહેતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અચાનક સીલ કરવાથી તેઓ રસ્તા પર આવી ગયા છે. જ્યાં સુધી કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે.

AMCની PG માટેની ગાઇડલાઇન શું છે?

કોર્પોરેશન દ્વારા રહેણાંક વિસ્તારોમાં ચાલતાં પીજી માટે કડક નિયમો જાહેર કરાયેલા છે. જેમાં પીજી તરીકે વપરાતા મકાનમાં ફાયર NOC હોવું ફરજિયાત છે. સોસાયટીના કાયદા મુજબ વેપારી હેતુ માટે મકાનનો ઉપયોગ કરતાં પહેલા સંગઠનની પરવાનગી જરૂરી છે. પીજીમાં રહેતા તમામ મહેમાનોની જાણકારી સ્થાનિક પોલીસ અને તંત્ર પાસે હોવી જોઈએ.

એક તરફ વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા છીનવાઈ છે તો બીજી તરફ રહેણાંક સોસાયટીઓમાં સુરક્ષા અને શાંતિ માટે AMC આ કાર્યવાહીને યોગ્ય ગણાવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્પોરેશન આ મામલે કોઈ વચગાળાનો રસ્તો કાઢે છે કે કેમ.