Ahmedabad News: અમદાવાદમાં દિન પ્રતિદિન લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે આજે શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સામાન્ય બાબતે 21 વર્ષીય યુવક પર હિચકારો હુમલો કર્યો છે. કાર ખસેડવાની બાબતમાં બોલાચાલી બાદ સમાધાન માટે બોલાવી યુવક પર 15 થી 20 લોકોના ટોળાંએ એટેક કરી દીધો હતો જે બાદ યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ 'ઘુવડ ગેંગ' સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું છે.
શું છે સમગ્ર મામલો?
આ હુમલાનું કારણ થોડા દિવસ પહેલા સરખેજ વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટના છે, જેમાં એક ચાની કિટલી પાસે કાર ખસેડવા જેવી નજીવી બાબતે આરોપીઓએ કાર પર ડંડાવાળી કરી હતી. જે પછી તે સમયે સરખેજ પોલીસ સ્ટેશનમાં મામલો થાળે પાડવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓએ મનમાં ખાર રાખી ગઈકાલે આ જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને મહાવીરસિંહ અને તેના મિત્રો (માસીના દીકરા ક્રિપાલ અને અને બે મિત્રો ધવલ, રવિ)ને વસ્ત્રાપુરના સત્યમ ફ્લેટ પાસેના બાંકડા પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં દગો આપી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
દગો આપી જીવલેણ હુમલો
પીડિતના દાવા મુજબ અચાનક 20 થી 25 જણાના ટોળાએ હુમલો કરી દીધો હતો. પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી નામના શખ્સોએ છરી, ચાકુ, લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો વડે યુવાનોને ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનોને તાત્કાલિક વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સૂત્રોનો દાવો છે કે આરોપીઓ કોઈ ઘુવડ ગેંગ સાથે સંબંધ ધરાવે છે.


