India's 1st Underwater Road-Cum-Rail Tunnel : આર્થિક બાબતોની કેબિનેટે વિશ્વની બીજી અને દેશમાં પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલ બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ ટનલ આસામના બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં બનાવાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ટનલ બન્યા બાદ રોજગારી વધશે, માલસામાનની હેરફેરની કાર્યક્ષમતા વધશે. આ ઉપરાંત મુસાફરો માટે રેલ અને સડક માર્ગની મુસાફરી વધુ સુવિધાજનક અને રોમાંચક બનશે.
બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં બનશે ટનલ
કેબિનેટે NH-15 પર આસામના ગોહપુરથી નુમાલીગઢ સુધીના 715 સેક્શન પર ચાર લેનવાળી એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફીલ્ડ કનેક્ટિવિટી બનાવવાને મંજૂરી આપી છે, જેમાં આ ટનનો પણ સમાવેશ થાય છે. પ્રોજેક્ટ હેઠળ બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં 15.79 કિલોમીટરનો રોડ અને રેલ કનેક્ટિવિટી ધરાવતો ટનલ બનાવાશે. આ એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ કન્સ્ટ્રક્શન મોડ પર અંદાજે 18,662 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
નુમાલીગઢ-ગોહપુર વચ્ચે 240 કિમીનું અંતર
હાલ NH-715 પરના નુમાલીગઢ અને NH-15 પરના ગોહપુર વચ્ચે 240 કિલોમીટરનું અંતર છે. આ અંતર કાપવા માટે નુમાલીગઢ, કાજીરંગા નેશનલ પાર્ક અને બિશ્વાનાથ ટાઉનથી પસાર થવું પડે છે અને તે માટે 6 કલાકનો સમય લાગે છે. જોકે ટનલ બન્યા બાદ આ સમયમાં ઘણો ઘટાડો થશે.
ટનલથી અનેક રાજ્યોને થશે ફાયદો
આ ટનલ ભારતમાં પ્રથમ અને વિશ્વમાં બીજી અંડરવોટર રોડ કમ રેલ ટનલ હશે. આ પ્રોજેક્ટથી આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ અને અન્ય ઉત્તર-પૂર્વ રાજ્યોના ઘણો ફાયદો થશે. આ ટનલના કારણે માલસામનની હેરફેરની કાર્યક્ષમતા વધશે અને ખર્ચમાં ઘટાડો થશે. આ ઉપરાંત સામાજિક-આર્થિક વિકાસમાં વધારો થશે.
બે નેશનલ હાઇવે અને બે મુખ્ય રેલ લાઇનનું જોડાણ થશે
આ પ્રોજેક્ટ હેઠળ બે મોટા નેશનલ હાઇવે NH-15 અને NH-715 પરસ્પર જોડાશે, તેની સાથે બે રેલવે લાઇન પણ જોડાશે. પ્રોજેક્ટના રૂટમાં 11 ઈકોનોમિક ઝોન, ત્રણ સામાજિક સ્થળો, પ્રવાસના બે સ્થળો અને 8 લોજિસ્ટિક હબ પણ સામેલ છે, જેના કારણે ઉદ્યોગો, પ્રવાસીઓ સહિત અનેકને ફાયદો થશે. આનાથી ચાર મોટા રેલવે સ્ટેશનો, બે ઍરપોર્ટ અને 2 ઇનલૅન્ડ વોટર-વેની કનેક્ટિવિટી પણ મળશે. આનો સૌથી વધુ ફાયદો આસામને થવાનો છે, કારણ કે ટનલ બન્યા બાદ આસામની આવકમાં વધારો થશે, લોજિસ્ટિક ખર્ચ ઘટશે અને શાનદાર કનેક્ટિવીટી પૂરી પાડશે.


