Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા બાતમીના આધારે બોપલના શીલજ સર્કલ પાસેથી 8.57 લાખ રૂપિયાની કિંમતના 245 ગ્રામ પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં નીરજ પ્રવિણભાઈ પટેલ અને યશ કનૈયાલાલ ચૌહાણનો સમાવેશ થાય છે, જેઓ ટુ-વ્હીલર પર આ નશાકારક પદાર્થનું છૂટક વેચાણ કરવા નીકળ્યા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીને આધારે કાર્યવાહી
આ અંગે DySP આસ્થા રણાએ જણાવ્યું કે, અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે બે શખ્સો ટુ-વ્હીલર પર શીલજ સર્કલથી શીલજ ગામ તરફ જઈ રહ્યા છે અને તેમની પાસે નશાકારક પદાર્થ છે. દરોડા દરમિયાન તેમની પાસેથી અંદાજે 245 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને ટુ-વ્હીલર સહિત કુલ 8,57,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 42 વર્ષીય નીરજ પટેલ અને 27 વર્ષીય યશ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે.
બંને આરોપીઓ નશાખોર
પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે આરોપીઓ કમર્શિયલ ક્વોન્ટિટીમાં ગાંજા સાથે પકડાયા છે અને તેઓ પોતે પણ નશાના સેવનની ટેવવાળા છે. આ બંને આરોપીઓ એકબીજાના પરિચિત છે અને વ્યસનની આદતને કારણે જ સંપર્કમાં આવ્યા હતા.
એક આરોપી નોકરી કરે છે જ્યારે બીજો ધંધો
આરોપીઓનું બેકગ્રાઉન્ડ તપાસતા જાણવા મળ્યું છે કે નીરજ પટેલ ખાનગી નોકરી કરે છે, જ્યારે યશ ચૌહાણ રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. આ નશીલો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને અગાઉ કેટલી વાર આ પ્રવૃત્તિ કરી છે, તે અંગે પોલીસ દ્વારા અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.


