Get The App

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રેમીનો પર્દાફાશ

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રેમીનો પર્દાફાશ 1 - image

Ahmedabad News: અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી આર.સી. રોડ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ચારિત્ર્યની શંકાના વહેમમાં એક પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની ઘાતકી હત્યા કરી નાખી છે. ગત 6 જૂનના રોજ વહેલી સવારે એક મકાનમાંથી સીમા પઠાણ નામની યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન જોઈને પરિવારે તેના પ્રેમી સામે શંકા વ્યક્ત કરી હતી, જેને પગલે સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી આત્મહત્યાની આશંકા પર તપાસ શરૂ કરી હતી.

શંકાશીલ સ્વભાવનો હતો પ્રેમી

મૃતક સીમા પઠાણના પાંચ મહિના અગાઉ જ છૂટાછેડા થયા હતા અને તે પોતાના બે બાળકો સાથે માતાના ઘરે રહેતી હતી. આ દરમિયાન તેને યાસીન કુરેશી નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને ટૂંક સમયમાં જ લગ્ન પણ કરવાના હતા. જો કે, યાસીન ખૂબ જ શંકાશીલ સ્વભાવનો હોવાથી તે સીમા પર નાની-નાની વાતોમાં વહેમ રાખતો હતો અને આ ચારિત્ર્યની શંકાના કારણે જ બંને વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. ગત 6 જૂનની સવારે જ્યારે સીમાનો ભાઈ તેના રૂમે ગયો ત્યારે સીમા લોહીલુહાણ અને મૃત હાલતમાં મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ આપઘાતનો કેસ હત્યામાં ફેરવાયો

શરૂઆતમાં આત્મહત્યા લાગતો આ કેસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાની સાથે જ સમગ્ર મામલો હત્યામાં પલટાઈ ગયો હતો. મૃતકના પીએમ રિપોર્ટમાં યુવતીનું ગળું દબાવીને ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ બહાર આવ્યું હતું. રિપોર્ટના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને શંકાના દાયરામાં રહેલા પ્રેમી યાસીન કુરેશીની અટકાયત કરી હતી અને તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચો: રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

પોલીસ પૂછપરછમાં આરોપીની કબૂલાત

પોલીસની કડક પૂછપરછ અને કાનૂની સકંજા સામે આરોપી યાસીન કુરેશી વધુ સમય ટકી શક્યો ન હતો અને આખરે તે ભાંગી પડ્યો હતો. આરોપી યાસીને પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, શંકાના વહેમમાં આવીને જ તેણે સીમાનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.