Gujarat

અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ

By GS TEAM
24 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં શેરબજાર અને સોનામાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર મહાઠગ મિહિર પરીખ અને તેની ટોળકી સામે ફરિયાદોનો સિલસિલો યથાવત છે. શહેર ક્રાઈમ બ્રાન્ચમાં આજે મિહિર પરીખ અને તેના સાગરીતો વિરુદ્ધ વધુ 4 ફરિયાદો નોંધાઈ છે, જેમાં વધુ 25.60 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ

Ahmedabad News: અમદાવાદમાં શેરબજાર અને સોનામાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર મહાઠગ મિહિર પરીખ અને તેની ટોળકી સામે ફરિયાદોનો સિલસિલો યથાવત છે. શહેર ક્રાઈમ બ્રાન્ચમાં આજે મિહિર પરીખ અને તેના સાગરીતો વિરુદ્ધ વધુ 4 ફરિયાદો નોંધાઈ છે, જેમાં વધુ 25.60 કરોડથી વધુના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

સંબંધોનો ગેરલાભ ઉઠાવી આચર્યું કૌભાંડ

એસ.જી. હાઈવે અને આંબલી ખાતે 'એમ.પી. ફિનકોર્પ સર્વિસીસ' તથા 'બીમાવાલે' નામની ઓફિસો ધરાવતો મિહિર પરીખ, તેની પત્ની ધારા પરીખ, માતા ગીતાબેન પરીખ અને હેમરાજસિંહ રાણાએ જૂના સંબંધો તથા બાળકો એક જ સ્કૂલમાં ભણતા હોવાના પરિચયનો દુરુપયોગ કરી અનેક લોકોને શિકાર બનાવ્યા છે.

કઈ રીતે આચરતા ઠગાઈ?

આ ભેજાબાજો રોકાણકારોના નાણાંનું ખરેખરું રોકાણ કરવાને બદલે તેમને અંધારામાં રાખવા માટે વિવિધ તરકીબો અજમાવતા હતા. 'માય વે' (My Way) અને 'My Wealth' નામની નકલી એપ્સ બનાવી તેમાં કાલ્પનિક નફો દર્શાવતા હતા. કોટક સિક્યુરિટીઝ અને મોતીલાલ ઓસવાલ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના નામે નકલી ડીમેટ એકાઉન્ટ અને લેઝર સ્ટેટમેન્ટ પધરાવી દેતા હતા. રોકાણકારોના કરોડો રૂપિયા શેરબજારમાં રોકવાને બદલે આરોપીઓ પોતાના અંગત મોજશોખ માટે વાપરી નાખતા હતા.

આ 4 રોકાણકારો બન્યા શિકાર, જેમણે નોંધાવી FIR

1. સોફ્ટવેર વેપારી સાથે 18.18 કરોડની ઠગાઈ

થલતેજના સોફ્ટવેર વેપારી ચંદ્રેશભાઈ પટેલ પાસેથી આરોપીઓએ કુલ 23.58 કરોડથી વધુની રકમ મેળવી હતી. વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ માત્ર 5.39 કરોડ પરત કર્યા હતા, જ્યારે બાકીના 18,18,66,136 રૂપિયા ઓહિયાં કરી ગયા હતા.

2. મહિલા વેપારી અવનીબેન સાથે 7.09 કરોડનો વિશ્વાસઘાત

થલતેજમાં જ રહેતા મહિલા વેપારી અવનીબેન પટેલ સાથે બાળકોની સ્કૂલના પરિચયથી મિત્રતા કેળવી આરોપીઓએ 9.37 કરોડ મેળવ્યા હતા. જેમાંથી 2.27 કરોડ પરત કરી બાકીના 7,09,68,733 રૂપિયા હડપ કરી ગયા હતા.

3. ફિલ્મ મેકર સાથે સોનામાં રોકાણના નામે ઠગાઈ

મેમનગરના ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર નીમેષભાઈ શાહ સાથે 15 વર્ષ જૂના સંપર્કનો ફાયદો ઉઠાવી મિહિર પરીખે સોનામાં રોકાણના બહાને 33.75 લાખ મેળવ્યા હતા. જેમાંથી માત્ર 8 લાખ (રોકડ અને 6 એસી) પરત કરી બાકીના 25.75 લાખ રૂપિયા ઓળવી લીધા હતા.

4. 75 વર્ષીય વૃદ્ધા અને તેમના પુત્ર સાથે છેતરપિંડી

ભાડજમાં રહેતા 75 વર્ષીય દમયંતીબેન ચૌહાણ અને તેમના પુત્ર પાર્થને દર મહિને 2 ટકા નફાની લાલચ આપી 10 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીઓએ My Wealth એપમાં નકલી ડેટા બતાવી વિશ્વાસ કેળવ્યો હતો અને બાકી નીકળતા 6,59,295 રૂપિયા પરત ન આપી છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો: ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: 'તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથી'

પોલીસ કાર્યવાહી

ક્રાઈમ બ્રાન્ચે આ તમામ મામલે મિહિર પરીખ, ધારા પરીખ, ગીતાબેન પરીખ અને હેમરાજસિંહ રાણા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે આ ટોળકીએ હજુ પણ અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોઈ શકે છે.