Get The App

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં 'ઊન'ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત્રોનો દાવો

Updated: May 15th, 2026

GS TEAM

Google News
Google News
કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં 'ઊન'ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત્રોનો દાવો 1 - image


Ahmedabad NCB Drugs Seized: ગુજરાતનો દરિયાકિનારો ફરી એકવાર નશાકારક પદાર્થોની તસ્કરી માટે ચર્ચામાં આવ્યો છે. સૂત્રો મુજબ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ એક સંવેદશીલ ગુપ્ત ઓપરેશન પાર પાડીને કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે, જેણે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે.

રિક્ષામાં પહોંચીને અમદાવાદ NCBએ ગોઠવી જાળ

આ ઓપરેશનની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, અમદાવાદ NCBની ટીમ કોઈને શંકા ન જાય તે રીતે સાદી રિક્ષામાં મુન્દ્રા પહોંચી હતી. કસ્ટમની SIIB શાખાના સહયોગથી એજન્સીએ ચોક્કસ કન્ટેનરને ટ્રેક કર્યું હતું અને તેને ટ્રાન્સવર્લ્ડ CFS વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. કન્ટેનરમાં તપાસ કરતા ગુપ્ત રીતે સંતાડેલું 140 કિલો ડ્રગ્સ મળી આવતા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

વૂલના નામે ડ્રગ્સની હેરાફેરી

પ્રાથમિક તપાસ મુજબ, આયાતકારે કાગળ પર આ માલ 'વૂલ' (ઊન) હોવાનું દર્શાવ્યું હતું. કાયદેસરની આયાતની આડમાં ડ્રગ્સ ઘુસાડવાનો આ કારસો નિષ્ફળ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જથ્થો મંગાવનાર આયાતકાર મુન્દ્રાની જ એક સ્થાનિક પાર્ટી હોવાનું સામે આવ્યું છે. NCBએ આ આયાતકારની ધરપકડ કરી લીધી છે અને તેની હાજરીમાં જ કન્ટેનર ખોલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડ્રગ્સ સામાન્ય છે કે એમ ડી છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી.

ભારતમાં નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ શરૂ

હાલમાં આ ડ્રગ્સનો સ્ત્રોત કયા દેશમાં છે અને તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે અંગે સઘન પૂછપરછ ચાલી રહી છે. ભારતમાં આટલો મોટો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને આ રેકેટમાં અન્ય કેટલા માથાઓ સામેલ છે, તે જાણવા માટે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ કામે લાગી છે. આગામી સમયમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.