Get The App

ડેટિંગ એપ પર ક્રાઈમ બ્રાન્ચના નકલી PSI બનીને યુવતી સાથે ઠગાઈ, લગ્નની લાલચ આપી 79 હજારથી વધુ પડાવ્યા

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
ડેટિંગ એપ પર ક્રાઈમ બ્રાન્ચના નકલી PSI બનીને યુવતી સાથે ઠગાઈ, લગ્નની લાલચ આપી 79 હજારથી વધુ પડાવ્યા 1 - image

Ahmedabad News: અમદાવાદમાં ડેટિંગ એપના માધ્યમથી પોતાને ક્રાઇમ બ્રાન્ચનો સાયબર સિક્યોરિટી ઓફિસર ઓળખાવી, એક યુવતીને લગ્નની જાળમાં ફસાવીને હજારો રૂપિયા પડાવી લીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. પરંતુ વધુ પડતી લાલચના કારણે તેનો ભાંડો ફૂટી ગયો છે. નવરંગપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી નકલી PSIની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

બમ્બલ એપ પર રોકી પંચાલ તરીકે મુલાકાત

મૂળ રાજકોટની અને હાલ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહીને ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતી 35 વર્ષીય યુવતી લગ્ન માટે યોગ્ય પાત્રની શોધમાં હતી. આ માટે તેણે બમ્બલ નામની ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું.

એપ પર રોકી પંચાલના સંપર્કમાં આવી

યુવતીને ફસાવવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ આઈડી પર પોલીસની વર્દીવાળા ફોટા મૂક્યા હતા અને બાયોમાં ક્રાઇમ બ્રાન્ચ સાયબર સિક્યોરિટી ઓફિસર લખ્યું હતું. જેથી યુવતી સરકારી નોકરીયાત અને તે પણ પોલીસ અધિકારી તેથી લલચાઇને યુવતી સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે વાતો શરૂ થઇ હતી. 

આ પણ વાંચો : 'રોમમાં તમારું સ્વાગત છે...' ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ

રડવાનું નાટક કરીને રૂ. 79,700 પડાવ્યા

બંને વચ્ચે લગ્નની વાતો શરૂ થયા બાદ, 16 મેના રોજ તે યુવતીને રૂબરૂ મળવા ગયો હતો. મુલાકાત દરમિયાન તેણે સેટેલાઇટ વિસ્તારમાં પોતાના મકાનનું કામ ચાલતું હોવાનું કહીને રડવાનું નાટક કર્યું હતું. કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પૈસા ચૂકવવાના બહાને તેણે યુવતી પાસે આર્થિક મદદ માંગી હતી. ભાવુક થઈને યુવતીએ તેની વાતો પર ભરોસો કરી લીધો અને 17 મેના રોજ ગૂગલ પેથી રૂપિયા 79,700 ટ્રાન્સફર કરી દીધા.

વધુ પડતી લાલચ નડી અને ભાંડો ફૂટી ગયો!

79 હજાર રૂપિયા મેળવ્યા બાદ નકલી PSIની લાલચ વધી ગઈ. તેણે એ જ રાત્રે નવો મોબાઈલ ફોન ખરીદવાના બહાને યુવતી પાસે વધુ 60 હજાર રૂપિયા તેમજ તેના અંગત ઓળખપત્રો (આધારકાર્ડ અને પાનકાર્ડ) માંગ્યા હતા. અચાનક જ પૈસા અને સરકારી દસ્તાવેજોની માંગણી થતાં યુવતીને શંકા ગઈ હતી. તેણે પોતાની રીતે ખાનગીમાં તપાસ કરાવી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 

ઠગાઇ માટે બન્યો નકલી પોલીસ અધિકારી

યુવતીની તપાસમાં સામે આવ્યું કે, રોકી પંચાલનું સાચું નામ હિમાંશુ પંચાલ છે. તે પોલીસ વિભાગમાં કોઈ જ નોકરી કરતો નથી અને માત્ર ઠગાઈ કરવા માટે નકલી ઓફિસર બન્યો હતો. પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં જ યુવતીએ તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હિમાંશુ પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.