Get The App

અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, દંપતી અને બાળકીને અડફેટે લેતા લોકોમાં રોષ

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના નરોડામાં નશામાં ધૂત કાર ચાલકનો આતંક, દંપતી અને બાળકીને અડફેટે લેતા લોકોમાં રોષ 1 - image


Ahmedabad News: અમદાવાદ શહેરમાં નશાની હાલતમાં બેફામ વાહન હંકારી અકસ્માત સર્જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ગત રાત્રિના સમયે શહેરના નરોડા વિસ્તારમાં આવી જ એક હચમચાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક દારૂ પીધેલા કાર ચાલકે મોપેડ પર જઈ રહેલા નિર્દોષ પરિવારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પતિ-પત્ની અને તેમની ચાર વર્ષની માસૂમ દીકરીને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભાગવાનો પ્રયાસ કરતા કાર ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, નવા નરોડાની અંજની રેસીડેન્સીમાં રહેતા રિતેશભાઈ ખટનાની ગત રાત્રે આશરે સવા નવ વાગ્યાની આજુબાજુ પોતાની પત્ની અને નાની દીકરી સાથે મોપેડ પર સાળીના ઘરેથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નરોડા કાપડીવાસ સામેથી પૂરઝડપે આવી રહેલી GJ-05-RM-6972 નંબરની કારના ચાલકે મોપેડ અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય સવારો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં રિતેશને આંખ, હાથ અને કમરના ભાગે ઈજા થઈ હતી, જ્યારે તેમની ચાર વર્ષની દીકરીને મોઢા અને દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક રાઘવેન્દ્ર તેજભાન સિંગે સ્થળ પરથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ પીછો કરી તેને પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી, જે પુરવાર કરે છે કે ચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. જી-ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ નવા નરોડામાં રહેતા આરોપી રાઘવેન્દ્ર સિંગની ધરપકડ કરી છે. સ્થાનિકોએ આવા બેજવાબદાર ચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.