Ahmedabad Fire News: અમદાવાદના મણીનગર વિસ્તારમાં સુમેળ-1 કોમ્પ્લેક્સમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં આજે(24 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના C-બ્લોકમાં ન્યૂ ક્લોથ માર્કેટ પાછળ ડક્ટ લાઈનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જ્યાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને લગભગ 10 જેટલી દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા 4 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે મોટી રાહતના સમાચાર છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી 4 લોકોને બચાવાયા
આ આગને કાબૂમાં લેવા માટે પાંચકુવા ફાયર સ્ટેશનની ફાયર ફાઇટર ટીમ સાથે મણિનગર, જામાલપુર અને શાહપુર ફાયર સ્ટેશનોમાંથી એક-એક ગજરાજ વાહન મોકલવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે STO, DO, DyCFO અને ADDCFOની ઉપસ્થિતિમાં રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર ટીમની ઝડપી અને સંકલિત કામગીરીના પરિણામે આગને નિયંત્રણમાં લેવામાં આવી છે. સાથે જ બિલ્ડિંગમાં ફસાયેલા 4 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી બચાવી લેવામાં આવ્યા હતા. હાલમાં ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


