Get The App

અમદાવાદમાં સોના-ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલાં જ સોની બજાર ચિંતિત

Updated: May 16th, 2026

GS TEAM

Google News
Google News
Ahmedabad Gold Market

Ahmedabad Gold Market: અમદાવાદની સોની બજારમાં છેલ્લાં કેટલાય સમયથી મંદીનો માહોલ છવાયેલો છે. બજારમાં પહેલાંથી જ મંદીનો માહોલ હતો, તેવામાં પ્રધાનમંત્રીની અપીલ બાદ સોના-ચાંદીની ખરીદીમાં વધુ 30થી 35 ટકા ઘટાડો થયો છે. જો આમને આમ સ્થિતિ રહી તો સોની વેપારી, કારીગરો તેમજ સ્ટાફ સહિત હજારો લોકોને ઘર ચલાવવામાં મુશ્કેલી વેઠવી પડશે.

ખરીદીમાં 35 ટકાનો મોટો ઘટાડો

વડાપ્રધાને સોનું ન ખરીદવાની કરેલી અપીલની સીધી અસર અમદાવાદ અને રાજ્યની સોની બજાર પર પડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદની બજારમાં સોના-ચાંદીની ખરીદીમાં આશરે 30થી 35 ટકા ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને પેન્ડન્ટ, બુટ્ટી, ચેઇન, વીંટી જેવા નાના ઘરેણાંની ખરીદી પર વધુ અસર પડી છે. સાથે જ ભાવમાં પણ ઉછાળો આવતાં ગ્રાહકો અસમંજસમાં મૂકાયા છે.

ખરીદશક્તિમાં મોટો ઘટાડો

સોનાના ભાવમાં સતત થઈ રહેલા ગગનચૂંબી વધારાના લીધે છેલ્લાં બે-ત્રણ વર્ષથી સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મોંઘવારીના કારણે સામાન્ય લોકોની સોનાની ખરીદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હાલ પરિસ્થિતિ એવી છે કે મોટાભાગના ગ્રાહકો સોનાના ભાવ અને બજારની સ્થિતિમાં સ્થિરતા આવવાની રાહ જોઈ રહ્યા છે. જે લોકો અત્યારે ખરીદી કરવા આવી પણ રહ્યા છે, તેમાંથી મોટાભાગના ગ્રાહકો નવું નાણું રોકવાને બદલે પોતાનું જૂનું સોનું આપીને નવું સોનું ખરીદવાનું પસંદ કરે છે. બજારમાં નવી રોકડ ફરવાના બદલે આ પ્રકારે માત્ર એક્સચેન્જ પ્રક્રિયા જ વધુ ચાલી રહી છે.

આ પણ વાંચો: AMCના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ EV નથી, પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે?

બજારમાં અસમંજસનો માહોલ

સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં યોજાનારા લગ્નો માટે મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી અથવા જૂન મહિનાની શરૂઆતથી જ લગ્નસરાના દાગીનાની ખરીદી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે બજારની વર્તમાન નબળી સ્થિતિને જોતા સોની વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. આગામી સમયમાં લગ્નસરાની આ ખરીદી ઘટશે કે સામાન્ય રહેશે, તે અંગે અત્યારથી જ સોની બજારમાં ભારે અસમંજસ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

કારીગરોની આજીવિકા જોખમમાં

જો સોના-ચાંદીની ખરીદીમાં આ જ પ્રકારે સતત ઘટાડો ચાલુ રહેશે, તો તેની ગંભીર અને સીધી અસર માત્ર સોની વેપારીઓ પર જ નહીં, પરંતુ આખી ઇન્ડસ્ટ્રી પર પડશે. દાગીનાની ઘડામણ કરતા સ્થાનિક કારીગરો તેમજ મોટા શો-રૂમ અને દુકાનોમાં કામ કરતા હજારો સ્ટાફ મેમ્બર્સની આજીવિકા સામે મોટું સંકટ ઊભું થઈ શકે છે. જો વેપાર લાંબો સમય ઠપ્પ રહેશે તો આ હજારો પરિવારોને ઘર ચલાવવામાં મુશ્કેલી વેઠવી પડશે તેવી ચર્ચા અત્યારે સોની બજારમાં જોરશોરથી ચાલી રહી છે.