કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ! અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime: અમદાવાદના કાંકરિયામાં ચેઇન સ્નેચિંગની એક ઘટના સામે આવી છે. અપ્સરા સિનેમા ચાર રસ્તા નજીક કામથી જઈ રહેલા એક વૃદ્ધાને મોપેડ પર આવેલા બે અજાણ્યા શખસોએ નિશાન બનાવ્યા હતા. મોપેડ પર આવેલા આ સ્નેચર્સે વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવી લીધી હતી. આ ઘટના બાદ ડરી ગયેલા પીડિત મહિલાએ તેમના પતિને હકીકત જણાવી અને બાદમાં બંનેએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
શું હતી ઘટના?
કાંકરિયા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય સાવિત્રીબેન કોષ્ટીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આ ઘટના ગત 31 ડિસેમ્બર, 2025ના દિવસે બપોરે 2:45 વાગ્યે બની હતી. ફરિયાદી મહિલા પોતાના કામ અર્થે ઘરેથી નીકળીને અપ્સરા સિનેમાની સામેના રસ્તેથી ચાલતા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ અપ્સરા સિનેમા ચાર રસ્તાના કોર્નર પર પહોંચ્યા, તે જ સમયે સામેની બાજુથી આશરે 30થી 35 વર્ષની વયના બે શખસ લાલ કલરના સુઝુકી એક્સેસ મોપેડ પર ડબલ સવારીમાં આવ્યા. આ બંને શખસોએ મહિલાને જોઈને તરત જ ગાડી વળાવીને તેમની બાજુમાં લીધી હતી. પાછળ બેઠેલા યુવકે મહિલાના ડાબા કાનમાં પહેરેલી આશરે 1.480 ગ્રામ વજનની સોનાની બુટ્ટી ઝૂંટવી લીધી, જેની કિંમત આશરે રૂપિયા 15,000 હતી.
પોલીસે હાથ ધરી તપાસ
ગુનો આચર્યા બાદ બંને શખસો તરત જ કાંકરિયા અપ્સરા સિનેમા તરફથી ઢોર બજાર તરફ રોંગ સાઇડમાં ભાગી ગયા હતા. આ ઘટના બાદ પીડિત મહિલા ખૂબ ડરી ગયા હતા અને ઘરે ઠપકો મળશે તેવા ડરથી તેમણે તાત્કાલિક આ બાબતે કોઈને જાણ નહોતી કરી. જોકે, ફરિયાદના દિવસે જ્યારે તેમના પતિ ઉપેન્દ્રભાઈએ કાનમાંથી બુટ્ટી ગાયબ હોવા અંગે પૂછપરછ કરી, ત્યારે તેમણે સમગ્ર હકીકત જણાવી હતી. ત્યાર બાદ પતિએ આ મામલે પોલીસ ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.









