Subhash Bridge Update: અમદાવાદના સુભાષ બ્રિજમાં રહેલી ક્ષતિઓ અને તિરાડોની તપાસ કરવા માટે IIT મુંબઈ, IIT દિલ્હી અને IIT રુડકીના નિષ્ણાતોની એક સંયુક્ત ટીમ અમદાવાદ પહોંચી છે. આ ટીમે બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરી છે, જેમાં બ્રિજ પર પડેલી તિરાડોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું. એટલું જ નહીં, બ્રિજની મજબૂતી જાણવા માટે ટીમે તેના નીચેના હિસ્સામાં પણ સઘન તપાસ અને નિરીક્ષણ કર્યું છે.
આ ઇન્સ્પેક્શનની કામગીરી પૂરી થયા બાદ IITની નિષ્ણાત ટીમ દ્વારા સમગ્ર તપાસનો રિપોર્ટ AMC કમિશ્નરને સોંપવામાં આવશે. આ રિપોર્ટના તારણોના આધારે સુભાષ બ્રિજના ભવિષ્ય અને જરૂરી સમારકામને લઈને આગામી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બર સુધી તેને વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુભાષ બ્રિજ બંધ કરીને બેરિકેટ્સ લગાવેલા હોવા છતાં લોકો મોર્નિંગ વૉક કરતા નજરે પડ્યા
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સુભાષ બ્રિજને જોખમી ગણીને વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવા છતાં, તંત્રના આ દાવા પોકળ સાબિત થયા છે. બ્રિજની બંને તરફ સુરક્ષા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હોવા છતાં, લોકો ખુલ્લેઆમ બ્રિજ પર મોર્નિંગ વૉક કરતાત્ર નજરે પડ્યા હતા. બ્રિજ પર બંને તરફ પોલીસ પોઇન્ટ પણ મૂકવામાં આવ્યા છે, તેમ છતાં લોકો બેરિકેડ્સ વટાવીને કેવી રીતે બ્રિજ પર પ્રવેશ્યા તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.


