Gujarat

અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5 ફરાર

By GS TEAM
19 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી, તેનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે કરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ઝોન-1 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે નારણપુરા વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ગેંગે છેલ્લા 14 મહિનામાં 100 કરતાં વધુ નિર્દોષ લોકોના નામે બેન્ક ખાતા ખોલાવ્યા હતા અને તેની કિટ સાયબર માફિયાઓને વેચીને દેશભરમાં આર્થિક ફ્રોડ આચર્યો હોવાનું સામે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5 ફરાર

Ahmedabad Cyber Fraud Racket: અમદાવાદ શહેરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૈસાની લાલચ આપી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી, તેનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે કરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ઝોન-1 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે નારણપુરા વિસ્તારમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ગેંગે છેલ્લા 14 મહિનામાં 100 કરતાં વધુ નિર્દોષ લોકોના નામે બેન્ક ખાતા ખોલાવ્યા હતા અને તેની કિટ સાયબર માફિયાઓને વેચીને દેશભરમાં આર્થિક ફ્રોડ આચર્યો હોવાનું સામે આવ્યું છે.

બાતમીના આધારે નારણપુરામાંથી આરોપીની ધરપકડ, ATM અને પાસબુક જપ્ત

મળતી માહિતી અનુસાર, ઝોન-1 LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે નારણપુરા વિસ્તારમાં દરોડો પાડીને નીરવ શાહ નામના શખસની અટકાયત કરવામાં આવી હતી. પોલીસને આરોપીની તલાશી દરમિયાન તેની પાસેથી 3 ATM કાર્ડ, 1 બેન્ક પાસબુક અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે તે નિર્દોષ લોકોના ખાતા ખોલાવીને બેન્ક તરફથી મળતી વેલકમ કિટ (ચેકબુક, ATM વગેરે) પોતાની પાસે જ રાખી લેતો હતો અને સાયબર ગઠિયાઓને સપ્લાય કરતો હતો.

આ પણ વાંચો: NEET પેપર લીક મામલો: ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત

લાલચ આપી ખાતા ખોલાવવાનો આખો ગોરખધંધો આ રીતે ચાલતો હતો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી નીરવ શાહ અને તેનો સાથીદાર વિશાલ કોટક છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ નેટવર્ક ચલાવતા હતા. તેઓ અમદાવાદના અલગ-અલગ શ્રમિક વિસ્તારોમાં જઈને પૈસાની જરૂરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરતા હતા અને નજીવી રકમની લાલચ આપી તેમના સેવિંગ કે કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા. ચાંદખેડા વિસ્તારના રહીશોના ખાતા ખોલાવવા માટે દેવ મોઢેરા નામના શખસે પણ તેમને મદદ કરી હતી.

ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવાનો અને સિમકાર્ડ ખરીદવાનો તમામ ખર્ચ વિશાલ કોટક ઉઠાવતો હતો. એકવાર એકાઉન્ટ એક્ટિવ થઈ જાય એટલે નીરવ બધી બેન્ક કિટ કલેક્ટ કરીને વિશાલને આપતો હતો. ત્યાંથી આ કિટ પટેલભાઈ, ગોપાલ પંચાલ અને વિકી નામના વચેટીયાઓ મારફતે દેશભરના સાયબર ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતી હતી.

દેશભરમાં ફ્રોડ માટે એકાઉન્ટ્સનો ઉપયોગ

આ ટોળકીએ અત્યાર સુધીમાં 100થી વધુ લોકોની બેન્ક વિગતો દેશવિરોધી સાયબર માફિયાઓના હાથમાં સોંપી દીધી છે. પોલીસે આ ખાતાઓની હિસ્ટ્રી તપાસતા માલૂમ પડ્યું છે કે, આમાંના કેટલાક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દેશના જુદા-જુદા રાજ્યોમાં મોટા પાયે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી છે અને તેના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે.

હાલમાં આ સમગ્ર કૌભાંડ મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી નીરવ શાહની ધરપકડ કરી લીધી છે, જ્યારે આ રેકેટમાં સામેલ અન્ય પાંચ આરોપીઓ વિશાલ કોટક, દેવ મોઢેરા, પટેલભાઈ, ગોપાલ પંચાલ અને વિકી હાલ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.