Get The App

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બૅન્કમાંથી ઉપાડી લીધા

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બૅન્કમાંથી ઉપાડી લીધા 1 - image


Ahmedabad News : સાવધાન! વોટ્સએપ પર આવેલા 'RTO ઈ-ચલાન' એપીકે(APK)એ ફેક્ટરી માલિક અને એકાઉન્ટન્ટને 10.70 લાખનો ચૂનો ચોપડ્યો છે. સાયબર ગઠિયાઓ હવે લોકોના વિશ્વાસનો ફાયદો ઉઠાવીને છેતરપિંડીની નવી રીતો અપનાવી રહ્યા છે. અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાયબર માફિયાઓએ પહેલા ફેક્ટરી માલિકનો ફોન હેક કર્યો અને ત્યારબાદ તેમના જ વોટ્સએપ પરથી એકાઉન્ટન્ટને લિંક મોકલીને 10.70 લાખ રૂપિયા સેરવી લીધા છે.

કેવી રીતે આચરાઈ છેતરપિંડી?

વટવા GIDCની એક ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં વિપુલભાઈ પટેલના મોબાઇલ પર તેમના શેઠ જયંતિભાઈના વોટ્સએપ નંબર પરથી એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં એક 'આર.ટી.ઓ. ઈ-ચલાન' નામની ફાઇલ(Application) મોકલવામાં આવી હતી અને મેમો ચેક કરવા માટે તેને ઇન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું હતું. એકાઉન્ટન્ટને લાગ્યું કે આ મેસેજ તેમના શેઠે જ મોકલ્યો છે, તેથી તેમણે ફાઇલ ડાઉનલોડ કરી પોતાની વિગતો જેવી કે નામ અને મોબાઇલ નંબર સબમિટ કર્યા. વિગતો ભર્યા બાદ તેમણે ઍપ્લિકેશન ડીલીટ પણ કરી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

બૅન્ક ખાતામાંથી ઉપાડી લીધી લાખોની લોન

સાયબર ગઠિયાઓએ એકાઉન્ટન્ટના ફોનનો એક્સેસ મેળવી લીધો હતો. ગઠિયાઓએ માત્ર ખાતામાં પડેલા પૈસા જ નહીં, પણ: એકાઉન્ટન્ટના નામે બૅન્કમાંથી 9.81 લાખની ઇન્સ્ટન્ટ લોન મેળવી લીધી. ખાતામાં પડેલી અન્ય રકમ અને લોનના પૈસા મળી કુલ 10.70 લાખ રૂપિયા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપાડી લીધા. બીજા દિવસે જ્યારે વિપુલભાઈના ફોન પર પૈસા ડેબિટ થયાના મેસેજ આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

સાયબર ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી તપાસ

આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે 'ઈ-ચિટરો' વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેવામાં કોઈપણ અજાણી વ્યક્તિ કે જાણીતી વ્યક્તિના વોટ્સએપ પરથી આવેલી APK ફાઇલ કે શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં. આ રીતે ફોનનો એક્સેસ મેળવીને સાયબર ગઠિયાઓ તમારી જાણ બહાર લોન પણ લઈ શકે છે.