Get The App

અમદાવાદ: ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગના 6 સાગરીત ઝડપાયા

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગના 6 સાગરીત ઝડપાયા 1 - image

Ahmedabad Crypto Scam: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી એક વ્યક્તિ સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય ટોળકીનો સાબરમતી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 24મીથી 31મી માર્ચ દરમિયાન આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમના કનેક્શન દુબઈ અને કંબોડિયાની ચાઈનીઝ ગેંગ સાથે હોવાનું સામે આવ્યું છે.

ફેસબુકથી જાળ બિછાવી, ડમી કંપનીઓ દ્વારા ખેલ ખેલાયો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠગ ટોળકીએ ફેસબુક પ્રોફાઇલ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ 'ક્રિસ્ટલ ઈન્ટીરિયર ડિઝાઇનર પ્રાઇવેટ લિમિટેડ' નામની ડમી કંપનીના બેન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ડમી કંપનીના ડિરેક્ટરો અને બેન્ક ખાતા તેમજ ઓફિસની વ્યવસ્થા કરી આપનારા શખસોનો સમાવેશ થાય છે.

કૌભાંડનું 'દુબઈ કનેક્શન' અને માસ્ટરમાઈન્ડ મયુર સાવલિયા

આ આખા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર મૂળ સુરતનો મયુર સાવલિયા હોવાનું ખૂલ્યું છે. મયુર સાવલિયા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વિદેશમાં છે. તે અગાઉ લાઓસ અને કંબોડિયામાં ચાઈનીઝ ગેંગના કોલ સેન્ટરોમાં કામ કરી ચૂક્યો છે અને હાલ દુબઈથી આ નેટવર્ક ચલાવે છે.

પકડાયેલા આરોપીઓ ઓમકાર ભારતી ગોસ્વામી અને સની મગો તેના સતત સંપર્કમાં હતા. આ ટોળકી ભારતના લોકો પાસેથી ડમી બેન્ક એકાઉન્ટ્સ મેળવી, એકાઉન્ટ હોલ્ડરોને દિલ્હીની હોટલોમાં રોકતી હતી અને ટ્રાન્જેક્શન પર 5થી 10 ટકા કમિશન મેળવતી હતી.

પકડાયેલા આરોપીના નામ

•42 વર્ષીય તાહીર ફૈઝમોહમદ બેલીમ 

•28 વર્ષીય અદનાન લીયાકત શેખ

•34 વર્ષીય એઝાઝ જીલાની શેખ 

•28 વર્ષીય ઓમકારભારતી મહેશભારતી ગોસ્વામી

•39 વર્ષીય મકસૂદ રફીક મિર્ઝા

•38 વર્ષીય સન્ની અશોકકુમાર મગ્ગો

તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા 

પોલીસને તપાસ દરમિયાન આ ટોળકીના વ્યવહારોમાં અનેક ચોંકાવનારી વિગતો મળી છે. ડમી કંપનીઓના ખાતામાંથી 3 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો મળી આવ્યા છે, જેમાં માત્ર એક જ ખાતામાં 93 લાખ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું છે. આ ટોળકી દ્વારા વપરાતા માત્ર 4 બેન્ક ખાતા સામે સમગ્ર ભારતમાં અલગ-અલગ સ્થળોએ 41 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. જે ફેસબુક આઈડીથી ફરિયાદીને લલચાવવામાં આવ્યા હતા, તે પણ કંબોડિયાથી ઓપરેટ થતું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

સાબરમતી પોલીસ હાલ આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખસો અને વોન્ટેડ આરોપી મયુર સાવલિયા સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. તેમજ આ ટોળકીએ અન્ય કેટલા લોકોના બેન્ક ખાતાનો દુરુપયોગ કર્યો છે તેની પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.