Child Trafficking Racket Busted in Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા મસમોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે નિઃસંતાન દંપતીઓની સંતાન પ્રાપ્તિની ભાવનાનો દુરુપયોગ કરી લાખો રૂપિયા પડાવતું હતું. આ ટોળકી ખાસ કરીને આર્થિક રીતે સદ્ધર હોય તેવા દંપતીઓને શોધી તેમની પાસેથી 'નોન-રિફંડેબલ' એડવાન્સ રકમ વસૂલતી હતી. હાલમાં પોલીસે હૈદરાબાદ જઈ રહેલા વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવ નામના એજન્ટોની ધરપકડ કરી તેમની પાસેથી 15 દિવસનું બાળક છોડાવ્યું છે. આ સાથે જ બનાસકાંઠાના મુખ્ય સપ્લાયર યુનુસ સિંધિને પણ દબોચી લેવામાં આવ્યો છે.
જાણો કેવી રીતે ચાલતુ ચાલતું હતું બાળ તસ્કરીનું રેકેટ
મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે આ રેકેટ પ્લાનિંગ સાથે ચાલતું હતું. જેમાં એજન્ટો ગરીબ અથવા મજબૂર માતા-પિતાને શોધી તેમની પાસેથી દોઢેક લાખ રૂપિયામાં નવજાત બાળક ખરીદી લેતી હતી. ત્યારબાદ આ બાળકનું પોષણ કરી, તેના ફોટા પાડી એજન્ટોના ગ્રૂપમાં વાયરલ કરવામાં આવતા હતા. નિઃસંતાન દંપતી પાસેથી બાળક દીઠ 10થી 15 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. એકવાર સોદો નક્કી થયા પછી દંપતીને બાળક પસંદ ન આવે તો પણ એડવાન્સ પેટે લીધેલી રકમ પરત કરવામાં આવતી નહોતી.
આ પણ વાંચો: 'હું નથુરામ' નાટકનો અમદાવાદમાં પણ ઉગ્ર વિરોધ, NSUI કાર્યકરોએ દીવાલો પર સૂત્રો લખ્યા
બાળક સોંપ્યા બાદ તેને કાયદેસરનું સંતાન બતાવવા માટે આ ટોળકી નર્સિંગ હોમ સાથે મળીને કાળાબજાર કરતી હતી. એજન્ટોની સલાહ મુજબ દંપતી બાળક આવવાના થોડા સમય પહેલા જ અન્ય શહેરમાં રહેવા જતા રહેતા હતા. ત્યારબાદ દલાલો દ્વારા ચોક્કસ નર્સિંગ હોમમાં બાળકનો જન્મ થયો હોવાની ખોટી એન્ટ્રી કરાવાતી હતી. આ ખોટી વિગતોના આધારે જન્મનું પ્રમાણપત્ર અને અન્ય સરકારી દસ્તાવેજો તૈયાર કરી આપવામાં આવતા હતા, જેથી ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી ન નડે.
આ રેકેટના તાર અન્ય રાજ્યોમાં પણ જોડાયેલા હોઈ શકે છે
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં યુનુસ સિંધિ અને સ્થાનિક એજન્ટ ગોવિંદ જેવા નામો સામે આવ્યા છે. પોલીસને શંકા છે કે આ રેકેટના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોઈ શકે છે અને અનેક અજાણી વિગતો બહાર આવી શકે છે. અત્યાર સુધી કેટલા બાળકોનો આ રીતે સોદો થયો છે અને કયા કયા નર્સિંગ હોમ આ પાપમાં સામેલ છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.


