Gujarat

VIDEO: "આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી", શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદન બાદ ભારે રોષ

By GS TEAM
14 Jun 20262 mins read
TukuTouch Logo
ગુજરાત સરકારના કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા દ્વારા ગોધરામાં યોજાયેલા એક જાહેર મંચ પરથી શિક્ષકોની કામગીરી અને તેમના વિરોધ પ્રદર્શનની માનસિકતા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ગોધરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સરકાર દ્વારા 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્તાવાર સરકારી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા પહોંચેલા કૃષિ મંત્રીએ મંચ પરથી પોતાના સંબોધન દરમિયાન શિક્ષક આલમને આડે હાથ લેતા સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: "આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી", શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદન બાદ ભારે રોષ

Agriculture Minister Ramesh Bhai Katara Criticizes Government Teachers : ગુજરાત સરકારના કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા દ્વારા ગોધરામાં યોજાયેલા એક જાહેર મંચ પરથી શિક્ષકોની કામગીરી અને તેમના વિરોધ પ્રદર્શનની માનસિકતા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ગોધરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સરકાર દ્વારા 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્તાવાર સરકારી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા પહોંચેલા કૃષિ મંત્રીએ મંચ પરથી પોતાના સંબોધન દરમિયાન શિક્ષક આલમને આડે હાથ લેતાં સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચા જાગી છે.

"તમામ આર્થિક લાભો મેળવ્યા છતાં ભૂખ ભાગતી નથી"

મંત્રી રમેશભાઈ કટારાએ સરકારી શિક્ષકોના પગાર ધોરણ અને તેમની અવારનવારની હડતાલો કે વિરોધ પ્રદર્શનો પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભો અને ભથ્થાઓ મેળવી લીધા છે, તેમ છતાં તેમની આર્થિક ભૂખ ભાગતી નથી. તેમણે ઉમેર્યું કે, ઉચ્ચ પગાર અને સરકાર તરફથી મળતી તમામ શ્રેષ્ઠ સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો અવારનવાર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતાં જોવા મળે છે. આટલો મોટો પગાર લેવા છતાં તેઓ પૂરતું અને નિષ્ઠાપૂર્વક કામ કરવા તૈયાર નથી.

વર્ગખંડમાં મોબાઇલના વપરાશ પર ગંભીર આરોપ

કૃષિ રાજ્ય મંત્રીએ માત્ર આર્થિક બાબતો પર જ નહીં, પરંતુ શાળાઓની અંદર શિક્ષણની ગુણવત્તા અને વર્ગખંડના વાતાવરણ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જાહેરમાં આક્ષેપ કરતાં કહ્યું કે "આજનો શિક્ષક વર્ગખંડમાં જઈને બાળકોને ભણાવવા કે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાનો મોટાભાગનો સમય મોબાઇલ ફોન વાપરવામાં જ પસાર કરે છે અને તેમાં જ રચ્યોપચ્યો રહે છે."

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે નિવેદનને વખોડયું

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ અનિરૂદ્ધસિંહ સોલંકીએ કહ્યું કે, 'મંત્રી રમેશભાઈ કટારા દ્વારા શિક્ષકો માટે ખૂબ જ અશોભનીય અને નીંદનીય નિવેદન આપવામાં આવ્યું છે. જ્યાં 8મું પગાર પંચ અને 10મું પગાર પંચ મળી ગયાની વાત કરી છે. તે તદ્દન ખોટી વાત છે, સાથે સાથે શિક્ષકોનું પેટ નથી ભરાતું એ પ્રકારનું નિવેદન આપ્યું છે. જેને  અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સખત શબ્દોમાં વખોડે છે. અને ગુજરાત સરકારના મંત્રી પાસે નિવેદન પાછું ખેચવાની માંગ કરે છે. તેમજ માફીની પણ માંગ કરે છે. નહીં તો શૈક્ષિક મહાસંઘના કાર્યકરો મંત્રીના નિવાસ સ્થાને જઈ વિરોધ કરી નિવેદન પાછું લેવાની માંગ કરશે.'

સરકારના જ એક ઉચ્ચ અને જવાબદાર મંત્રી દ્વારા જાહેર કાર્યક્રમમાં શિક્ષકોની વ્યાવસાયિક નૈતિકતા પર આ પ્રકારના ગંભીર આરોપો લગાવવામાં આવતા આ નિવેદન સોશિયલ મીડિયા સહિત રાજકીય ગલિયારાઓમાં ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલે આગામી સમયમાં શિક્ષક સંગઠનો તરફથી કેવો પ્રતિભાવ આવે છે તેના પર સૌની નજર રહેશે.