Gujarat

કોરોના પોઝીટીવના કેસ બાદ જામનગરનો દરેડ વિસ્તાર સીલ

By GS Team
6 Apr 20203 mins read
This article was originally published on 6 Apr 2020
કોરોના પોઝીટીવના કેસ બાદ જામનગરનો દરેડ વિસ્તાર સીલ

- જિલ્લા કલેક્ટર દ્વારા દરેડ વિસ્તાર કોરોનાગ્રસ્ત જાહેર : રાઉન્ડ-ધ-ક્લોક પોલીસ કર્મીઓ તૈનાત

- મહાપાલિકાની 60 ટુકડીઓ દ્વારા સર્વેક્ષણ : સમરસ હોસ્ટેલમાં 14 વ્યક્તિને ક્વોરોન્ટાઈન કરાયા

- ગામનાં તમામ રસ્તાઓ સીલ પોલીસતંત્ર પહોંચાડે છે શાક, દૂધ અને રાશનની સામગ્રી



જામનગર, તા.06 એપ્રિલ 2020, સોમવાર 

જામનગર તાલુકાના દરેક ગામમાં ૧૪ મહિના ના એક બાળકનો કોરોનાવાયરસ નો પોઝીટીવ રિપોર્ટ આવ્યા પછી તંત્ર હરકતમાં આવી ગયું છે. જેને આજે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયા પછી સેનેટાઈઝની કામગીરી ફાયરબ્રિગેડની કામગીરી શરૂ થઈ છે. જામનગર શહેરના કોરોનાના પગપેસારા બાદ ઓદ્યોગિ વિસ્તાર તરીકે જાણીતા એવા દરેડને ગામનાં ચારેબાજુના રસ્તા સિલ કરી દેવામાં આવ્યા છે તેમજ સમગ્ર વિસ્તારને કોરોનાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવતા રાઉન્ડ ધ ક્લોક પોલીસની ડયુટી ગોઠવી દેવામાં આવી છે. તેમજ આરોગ્ય વિભાગની ૬૦ ટીમો દ્વારા ઘરે ઘરેે સર્વેની કામગીરીનો ધમધમાટ શરૂ થયો હોવાનું જાણવા મળે છે.

આજે જામનગર મહાનગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ૩૦ જેટલી ટુકડીઓ ને એકી સાથે દરેડ વિસ્તારમાં ઉતારી દેવામાં આવી છે અને પ્રત્યેક નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટુકડીઓ દ્વારા તમામ શ્રમિક પરિવારોના ઘેર ઘેર જઈ અને લોક ડાઉન દરમિયાન ઘરમાં રહેલા લોકોને તાવ- શરદી- ઉધરસ સહિતની બીમારી અંગે ચકાસણી કરવામાં આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીઓ દ્વારા અલગ-અલગ બે ફાયર ફાયટરો માં સોડિયમ હાઇપો ક્લોરાઇડ યુક્ત મિશ્રણ ભરીને ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યા થી દરેડ વિસ્તારમાં તેનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયા પછી આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે રાત્રીના સાડા ત્રણ વાગ્યા સુધી ચાલી હતી. અને મોટાભાગના  વિસ્તારને સેનીટાઇઝ કરવામાં આવ્યો હતો. હજુ પણ દરેડ નો કેટલોક વિસ્તાર બાકી રહ્યો હોવાથી આજે પણ આ પ્રકારની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

 જામનગર નજીક દરેડ ગામ કે જેનો આશરે ત્રણ થી ચાર કિલોમીટર નો એરિયા છે જેમાં ૧૦ હજારથી વધુ શ્રમિકો વસવાટ કરે છે જ્યારે ત્રણેક હજારની ગામવાસીઓની વસ્તી છે. જે તમામ ૧૩ હજાર જેટલા લોકોને હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે અને તમામ લોકોને ઘરમાંથી બહાર નીકળવાની વહીવટીતંત્ર દ્વારા મનાઇ ફરમાવી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા વિશેષ જાહેરનામુ બહાર પાડી દરેડ વિસ્તારને કોરોનાંગ્રસ્ત જાહેર કરી દેવાયો છે. જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

એક ડીવાયએસપી,સી પીઆઈ અને ત્રણ પીએસઆઇ ઉપરાંત પોલીસ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ હોમગાર્ડના જવાનો જીઆરડીના જવાનો વગેરે ૧૭૫ નો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં મૂકી દેવાયો છે. જે તમામને બાર બાર કલાકની ડયુટી સોંપી દેવામાં આવી છે પંદર એસઆરપીના જવાનોની પણ મદદ લેવામાં આવી છે.

પોલીસ દ્વારા ગઈકાલે જુદા જુદા ૧૦ જેટલા પોલીસ વાહનો તથા અન્ય વાહનો મારફતે સમગ્ર વિસ્તારમાં માઇક દ્વારા લોકોને પોતાના ઘરમાં જ રહેવા કડક સૂચના આપી દેવામાં આવી છે. અને દરેક ગામ તથા આસપાસના ગામમાંથી આવતા રસ્તાઓને પણ સીલ કરી દેવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિને ઘરની બહાર જવા અથવા તો પ્રવેશવા દેવામાં આવતા નથી.

આજે દરેડ વિસ્તારમાં કોઇ પણ પ્રકારની દુકાનો રાસન દૂધ વગેરે હાલ બંધ છે. અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થઈ રહેલી ભોજનસામગ્રી ને ડોર ટુ ડોર પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પણ પોલીસની મદદ લેવામાં આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ની જુદી જુદી ૬૦ ટુકડીઓ ગઈકાલ સાંજથી જ દોડતી કરવામાં આવી હતી અને આજે પણ સર્વે ચાલી રહ્યું છે. જેમાં ૨૦૦ થી વધુ નો સ્ટાફ પ્રત્યેક નાગરિકોની તપાસણી કરી રહંયા છે. ૧૪ વ્યક્તિઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે કેટલાક વ્યક્તિને દરેડ નજીક આવેલી સમરસ હોસ્ટેલ માં પણ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.