Get The App

કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
કારની ટક્કરથી બાઈક ચાલક યુવાન બાદ સારવારમાં ભાભી અને દીકરીનું પણ મોત 1 - image

- બોરસદના જંત્રાલ-વીરસદ રોડ ઉપર અકસ્માત

- એક જ પરિવારના 3  સભ્યોના કરૂણ મોતથી પંથકમાં અરેરાટી : વીરસદ પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો

આણંદ : બોરસદના જંત્રાલ-વીરસદ રોડ પર આવેલી એક સ્કૂલ નજીક ગતરોજ પુરપાટ ઝડપે જઈ રહેલી એક કારની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક ઉપર સવાર ચાલકની ભાભી અને ચાલકની પુત્રી ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. આ બનાવ અંગે વીરસદ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોરસદના કંસારી રોડ ઉપર આવેલી એક પોલ્ટ્રી ફાર્મ નજીક રહેતા ગણપતભાઈ ભીમસંગભાઈ પરમારનો ૩૨ વર્ષીય પુત્ર હરેશ ઉર્ફે પીન્ટો રવિવારની સાંજના પોતાના બાઈક ઉપર ભાઈની પત્ની જ્યોત્સનાબેન અને આઠ વર્ષીય દીકરી પ્રિયાબેનને બેસાડી વીરસદથી જંત્રાલ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન એક સ્કૂલ નજીકથી તે પસાર થઈ રહ્યાં હતા, ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચડેલી એક કારના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણેય જણ રોડ ઉપર પટકાયા હતા. આ અકસ્માતમાં હરેશ ઉર્ફે પીન્ટાને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ભાભી અને આઠ વર્ષીય પુત્રીને ઇજાઓ પહોંચતા તેઓને તુરંત જ ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે સારવાર દરમિયાન ભાભી અને દીકરીનું પણ મોત થતા સમગ્ર પરિવાર સહિત ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ બનાવ અંગે વિરસદ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.