Gujarat

નેટ ઝીરો અને આરોગ્ય પ્રદ શહેરના વિઝનને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી એકશન પ્લાન તૈયાર થશે

By GS TEAM
18 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્લોબલ બિલ્ડિંગ્સ પરફોર્મન્સ નેટવર્ક (જીબીપીએન) વચ્ચે એપ્રિલ-2026માં થયેલા સમજૂતી કરારના અનુસંધાને જીબીપીએનની ટીમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લીધી હતી. જેમાં "નેટ ઝીરો અને આરોગ્યપ્રદ શહેરના વિઝનને અમલી બનાવવા એક્શન પ્લાન તૈયાર કરવા ચર્ચા થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

નેટ ઝીરો અને આરોગ્ય પ્રદ શહેરના વિઝનને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના સહયોગથી એકશન પ્લાન તૈયાર થશે

Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્લોબલ બિલ્ડિંગ્સ પરફોર્મન્સ નેટવર્ક (જીબીપીએન) વચ્ચે એપ્રિલ-2026માં થયેલા સમજૂતી કરારના અનુસંધાને જીબીપીએનની ટીમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાત લીધી હતી. જેમાં "નેટ ઝીરો અને આરોગ્યપ્રદ શહેરના વિઝનને અમલી બનાવવા એક્શન પ્લાન તૈયાર કરવા ચર્ચા થઈ હતી.

આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે બેઠકો યોજાઈ હતી. તેમજ શહેરના આરોગ્ય અને હવામાન પરિવર્તન સંબંધિત પડકારો અંગે સ્ટેકહોલ્ડર એંગેજમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સમજૂતી કરાર હેઠળ શહેરને નેટ ઝીરો, આરોગ્યપ્રદ, સ્થિતિસ્થાપક અને ઊર્જા-કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે ચાર મુખ્ય ક્ષેત્રોમાં સહકાર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્યપ્રદ શહેરી આયોજન માળખાનો વિકાસ, સોલાર સિટી અને નેટ ઝીરો ઊર્જા માર્ગ નકશો, સંસ્થાકીય સમન્વય અને હિતધારકોની ભાગીદારી તેમજ ક્ષમતા નિર્માણ અને જ્ઞાનના હસ્તાંતરણનો સમાવેશ થાય છે. ત્યારબાદ “લેટ્સ એંગેજ” શીર્ષક હેઠળ યોજાયેલા વર્કશોપમાં અધિકારીઓને જૂથોમાં વહેંચી શહેરના આરોગ્ય પર અસર કરતા મુદ્દાઓ અંગે ‘આગળ શું વધારવું’, ‘શું બંધ કરવું’, ‘શું નવું વિકસાવવું’ અને ‘આગળ શું પગલાં લેવા’ જેવા ચાર મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરાવવામાં આવ્યો હતો.

વર્કશોપ દરમિયાન જીબીપીએનની ટીમે વડોદરા શહેરના નેટ ઝીરો-2070 વિઝન અંગે ચર્ચા કરી હતી. જેમાં સોલાર ટ્રી, રૂફટોપ સોલાર, કેનાલ ટોપ સોલાર, પવન ઊર્જા અને ફ્લોટિંગ સોલાર જેવા પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવા તેમજ આરોગ્યપ્રદ શહેરી આયોજન દ્વારા નેટ ઝીરો લક્ષ્યોને વધુ મજબૂત બનાવવાના માર્ગો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકના અંતે વિભાગીય પ્રાથમિકતાઓનું મેપિંગ, આરોગ્ય અને હવામાન પરિવર્તન વચ્ચેના સંબંધને વધુ સ્પષ્ટ બનાવવા, વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા, માહિતી અને પુરાવા એકત્રિત કરવા તેમજ સંયુક્ત માર્ગ નકશો અને આરોગ્યપ્રદ શહેરી આયોજન માળખાના સહ-નિર્માણ માટેના આગામી પગલાં નક્કી કરવામાં આવ્યા હતા.