Get The App

મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા : ત્રણ લાખનો દંડ

મજબુત વૈજ્ઞાાનિક પુરાવા રજૂ થતાં આરોપીને આઇટી એક્ટમાં સજા

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
મહિલાના વિડીયો વાઇરલ કરનારા આરોપીને ત્રણ વર્ષની સજા :  ત્રણ લાખનો દંડ 1 - image

બુધવાર : પરણીત મહિલાને ડરાવી ધમકાવી તેની સાથે વારંવાર શારીરિક સબંધ બાંધવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે આઇટી એક્ટ હેઠળ કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સજા તેમજ રૃા.૩ લાખનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,આરોપીએ મહિલાના ખાનગી વીડિયો વાયરલ કરીને આઈટી એક્ટનું ઉલ્લંઘન કર્યું છે.

કેસની વિગત એવી છે કે, એક પરિણીત મહિલાએ વર્ષ ૨૦૨૦માં સીટી પોલીસ સ્ટેશનમાં ઇન્દ્રવદન મહેન્દ્રભાઇ ખૈરે નામના શખ્સ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ છેલ્લા પાંચ વર્ષથી ડરાવી-ધમકાવીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેના બિભત્સ વીડિયો ઉતાર્યા હતા. મહિલાએ આરોપી સાથે રહેવાની ના પાડી, ત્યારે તેણે આ વીડિયો મહિલાના પતિ અને સગા-સંબંધીઓને વોટ્સએપ દ્વારા મોકલી વાયરલ કર્યા હતા.

આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એચ.આર.જોષી હાજર રહ્યાં હતા અને તેમણે દલીલ કરી હતી કે, આરોપીએ મહિલાને તેના પરિવારજનોના એક્સિડન્ટની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં વીડિયો વાયરલ કરી બદનામ કરી હતી.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ અને પુરાવાને ધ્યાને લઇ ચૂકાદામાં નોંધ્યું હતું કે, ફરિયાદી અને આરોપી વચ્ચે લાંબા સમયથી સંબંધો હતા અને બળાત્કારના આરોપોમાં પાંચ વર્ષનો વિલંબ અને વિરોધાભાસી નિવેદનોને કારણે દુષ્કર્મનો ગુનો સાબિત થઈ શક્યો નથી.

આ કેસમાં પ્રોસીક્યુશન દ્વારા કુલ ૨૦ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર, મેડિકલ ઓફિસર અને સાયન્ટિફિક ઓફિસરનો સમાવેશ થાય છે. દસ્તાવેજી પુરાવા તરીકે એફએસએલ રિપોર્ટ, મોબાઈલ સ્ક્રીનશોટ્સ અને સીસીટીવી ફૂટેજ જેવા મહત્વના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, વૈજ્ઞાાનિક પુરાવા, એફએસએલના રિપોર્ટ અને મોબાઈલના ડેટા પરથી સાબિત થાય છે કે, આરોપીએ અશ્લીલ સામગ્રી પ્રસારિત કરી હતી.