વડોદરા : પ્રેમ સબંધ રાખવાની ના કહેતા ૨૨ વર્ષની વિદ્યાર્થીનીની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૃા.૧ લાખનો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે મૃતક યુવતીના પરિવારને વળતર પેટે રૃા. ૯ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે,આરોપી હરપાલ ઉર્ફે હાદક કિરીટભાઈ પટેલ
(રહે.મારૃતિધામ સોસાયટી,વડસર) છેલ્લા બે વર્ષથી મૃતક યુવતી
રૃદ્રાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરી
હેરાન કરતો હતો. ૧૮ એપ્રિલ ૨૦૧૫ના રોજ જ્યારે યુવતી તેની આઈ-૧૦ કારમાં ટયુશન ક્લાસ
જઈ રહી હતી, ત્યારે આરોપીએ તેની સાથે ઝઘડો કરી વિશ્વામિત્રી
રેલવે સ્ટેશન પાછળના ભાગે કારમાં જ
દુપટ્ટાથી ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી હતી. આરોપીએ ત્યાર બાદ કારને
અકસ્માતગ્રસ્ત હાલતમાં છોડી દીધી હતી.
આ કેસ સંપૂર્ણપણે પુરાવાઓ
પર આધારિત હતો. સરકારી વકીલ એન.યુ.મકવાણા દ્વારા કોર્ટમાં કુલ ૨૬ મૌખિક
સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને ૩૧ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં
આવ્યા હતા. સાક્ષીઓમાં મૃતકના પિતા, માતા, અને
આરોપી-યુવતીના મિત્રોનો સમાવેશ થતો હતો.
ખાસ કરીને આરોપીએ તેના એક મિત્ર સમક્ષ
કરેલી ગુનાની કબૂલાત અને એફ.એસ.એલ.ના રિપોર્ટમાં દુપટ્ટાની મજબૂતી અને ગળું
દબાવવાના નિશાનો સાબિત થતા કોર્ટે તેને ગંભીર ગણ્યા હતા.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ એક અકસ્માત છે, પરંતુ
તબીબી પુરાવાઓએ સાબિત કર્યું કે મૃત્યુ ગળું દબાવવાને કારણે ગૂંગળામણથી થયું
છે.અદાલતે આ કેસમાં કડક વલણ અપનાવતા નોંધ્યું હતું કે આરોપીએ પોતાની ઈચ્છા ન
સંતોષાવાને કારણે એક નિર્દોષ યુવતીનું જીવન છીનવી લીધું છે. સમાજમાં દાખલો બેસે તે
માટે કોર્ટે આરોપી હરપાલ પટેલને આજીવન સખત કેદ અને એક લાખનો દંડ ફટકાર્યો હતો.
વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે બનાવ બન્યો હતો
આ બનાવ તા. ૧૮ એપ્રિલ ૨૦૧૫ના રોજ બપોરે ૩ થી ૪ઃ ૩૦ ના અરસામાં બન્યો હતો. યુવતીના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી હરપાલ પટેલ છેલ્લા બે વર્ષથી તેમની પુત્રીને હેરાન કરતો હતો. ઘટનાના દિવસે આરોપીએ કારમાં જઈ યુવતીના જ દુપટ્ટાથી તેનું ગળું દબાવી દીધું હતું અને લાશને કારમાં જ મુકી અકસ્માત જેવું દ્રશ્ય ઉભું કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપીએ છુપાવેલો દુપટ્ટા અને ગુનામાં વપરાયેલ વાહન રિકવર કર્યું હતું.
સરકારી વકીલે ફાંસીની
સજાની માંગણી કરી હતી
કેસની અંતિમ સુનાવણીમાં સરકારી વકીલે દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપી
હરપાલ પટેલે ૨૨ વર્ષની તેજસ્વી યુવતીની અત્યંત ક્રુરતા પૂર્વક અને પૂર્વયોજિત
કાવતરું ઘડીને હત્યા કરી છે. આ કિસ્સો રેરેસ્ટ ઓફ રેર હોવાથી સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીને
ફાંસીની સજા (મૃત્યુદંડ) આપવી જોઈએ. જોકે, અદાલતે આ દલીલો
સામે નોંધ્યું કે, કેસ સંપૂર્ણપણે પુરાવાઓ પર આધારિત છે.
અદાલતે નોંધ્યું હતું કે, આરોપીએ ઈચ્છા ન સંતોષાતા યુવતીનું
ગળું ટૂંપી ગંભીર ગુનો કર્યો છે, પરંતુ કાયદાકીય માપદંડો અને
સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓને ધ્યાને રાખી, ફાંસીને બદલે
આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારવી ન્યાયોચિત ગણાશે.


