Get The App

કોર્ટમાંથી એક વર્ષની સજા મળતા બે મહિનાથી ફરાર આરોપી પકડાયો

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
કોર્ટમાંથી એક વર્ષની સજા મળતા બે મહિનાથી ફરાર આરોપી પકડાયો 1 - image

નેગોશિયેબલ ઇન્સ્ટ્મેન્ટ એક્ટ હેઠળ

ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે ઝડપી સાબરમતી મધ્યસ્થ જેલ મોકલી આપ્યો

ગાંધીનગર :  અમદાવાદની કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસમાં બે મહિના અગાઉ આરોપીને એક વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો અને સજા મળતા બે મહિનાથી ફરાર થઈ ગયેલા આરોપીને ગાંધીનગર એલસીબી દ્વારા ધોળાકુવા ખાતેથી ઝડપી લઇ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં કોર્ટે સજા ફટકારેલ હોય અને જેલ વોરંટના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો કાર્યરત હતી. ત્યારે એલસીબીની ટીમે બાતમીના આધારે હાલ સેક્ટર ૪માં રહેતા મહેશકુમાર વિક્રમસિંહ જાડેજાને ધોળાકુવા ખાતેથી ઝડપી લીધો હતો. અમદાવાદ શહેરની ૩૫ મી એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં મહેશકુમાર વિક્રમસિંહ જાડેજા વિરૃધ્ધ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્મેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબનો કેસ ચાલતો હતો. આ કેસમાં કોર્ટે ગત ૨૭ જાન્યુઆરીના રોજ આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જોકે, સજાનો હુકમ થયા બાદ મહેશકુમાર હાજર થયો ન હતો અને પોલીસની પકડથી બચવા નાસતો ફરતો હતો, જેના કારણે કોર્ટે તેની વિરૃધ્ધ સજા વોરંટ ઇસ્યુ કર્યું હતું. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કેદ કરવા માટે મોકલી આપ્યો છે.